19 November, 2024 10:57 AM IST | Manipur | Gujarati Mid-day Correspondent
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ
મણિપુરમાં ફાટી નીકળેલા હિંસાચારને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની વધારાની ૫૦ કંપનીઓ મોકલવાનો નિર્ણય લીધો હતો. ગઈ કાલે અમિત શાહના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વધારાના ૫૦૦૦ જવાનો મોકલવા પહેલાં ગૃહ ખાતાએ ૧૨ નવેમ્બરે એક ઑર્ડર બહાર પાડીને ૧૫ CRPF અને પાંચ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ની ટુકડીઓ મોકલી હતી.
ગયા મંગળવારે જિરીબામમાંથી એક પરિવારના છ જણનું અપહરણ કરવામાં આવ્યા બાદ શનિવારે તેમના મૃતદેહ મળી આવતાં રાજ્યમાં હિંસા ફેલાઈ હતી. કુકી ઉગ્રવાદીઓએ મૈતેઈ સમાજના આ લોકોનું અપહરણ કર્યું હોવાનો આરોપ છે. આ ઘટના સામે આવ્યા બાદ શનિવારે રાતે ગુસ્સે ભરાયેલા લોકોએ રાજ્યના મુખ્ય પ્રધાન સહિત બે પ્રધાન અને પાંચ વિધાનસભ્યોનાં ઘર પર હુમલો કર્યો હતો.
ત્યાર બાદ રવિવારે વધુ બે મૃતદેહ મળ્યા હતા જેમાં બે વર્ષના બાળકનો માથા વગરનો અને સિનિયર સિટિઝન મહિલાનો નદીમાંથી અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યા હોવાથી પરિસ્થિતિ વધુ તનાવગ્રસ્ત થઈ ગઈ હતી. સૌથી વધારે તનાવ રાજ્યના બિશ્નુપુર, ઇમ્ફાલ અને જીરિબામમાં છે.