01 January, 2025 12:24 PM IST | Imphal | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહ
મણિપુરમાં ગયા દોઢ વર્ષથી હિંસાનો દોર ચાલુ છે અને આ હિંસા માટે મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે આખરે લોકોની માફી માગી છે. મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાય વચ્ચે થયેલા જાતીય હિંસાચારમાં ૨૫૦ લોકોએ જીવ ગુમાવ્યા છે, હજારો લોકો ઘરવિહોણા થયા છે.
ગયા ત્રણ-ચાર મહિનામાં મણિપુરમાં શાંતિ સ્થપાઈ છે અને તેથી આશા જાગી છે કે નવા વર્ષમાં રાજ્યમાં શાંતિની પુનઃસ્થાપના થશે એવો આશાવાદ વ્યક્ત કરતાં ઇમ્ફાલમાં આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં જે થયું છે એના માટે હું ક્ષમા માગું છું. ઘણા લોકોએ તેમના સ્વજનો ખોઈ દીધા છે અને ઘણા લોકોને ઘરબાર છોડીને જતા રહેવું પડ્યું છે એનું મને દુઃખ છે અને હું માફી માગું છું. વર્ષનો અંત આશાવાદી રીતે થયો છે અને આશા છે કે ૨૦૨૫માં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.
આ મુદ્દે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે થઈ ગયું છે એ થઈ ગયું છે. હું તમામ સમુદાયને અપીલ કરું છું કે તેઓ જૂની ભૂલો માટે માફ કરે અને ભૂલી જાય અને નવેસરથી સાથે અને શાંતિપૂર્ણ રહી મણિપુરનો વિકાસ થાય એ રીતે જીવવાની શરૂઆત કરે.
ફાયરિંગની ઘટનાઓ વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ૨૦૨૩ના મે મહિનામાં જાતીય હિંસા શરૂ થઈ હતી પણ છેલ્લા ૨૦ મહિનામાં ફાયરિંગની ઘટનાઓ ઓછી થઈ છે. ૨૦૨૩ના મેથી ઑક્ટોબર સુધીમાં ફાયરિંગના ૪૦૮ બનાવ નોંધાયા હતા પણ નવેમ્બર ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૪ સુધીમાં ૩૪૫ ફાયરિંગ કેસ નોંધાયા છે. આ વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં ફાયરિંગના ૧૧૨ કેસ નોંધાયા છે.
લૂંટવામાં આવેલાં ૩૧૧૨ હથિયારો પાછાં મેળવી લેવામાં આવ્યાં છે અને ૨૫૧૧ વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યાં છે અને ૬૨૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ૧૨,૦૪૭ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધવામાં આવ્યા છે.