13 March, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને નાશિકની મૅજિસ્ટ્રેટ કોર્ટે તેમણે સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર સામે કરેલી કમેન્ટ સંદર્ભે નોંધાયેલા બદનક્ષીના કેસમાં મોટી રાહત આપી છે. ઍડિશનલ ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ આર. એલ. નરવાડેએ બુધવારે રાહુલ ગાંધી સામે નોંધાયેલો બદનક્ષીનો કેસ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
રાહુલ ગાંધીએ ૨૦૨૨ની ૧૫ અને ૧૬ જૂને ભારત જોડો યાત્રા વખતે અકોલાની સભામાં એ કમેન્ટ કરી હતી. એક પત્રકાર-પરિષદમાં તેમણે સાવરકરના સંદર્ભમાં એક ઐતિહાસિક દસ્તાવેજ દર્શાવીને એ કમેન્ટ કરી હતી. આ સંદર્ભે નાશિકના નિર્ભયા ફાઉન્ડેશનના અધ્યક્ષ દેવેન્દ્ર ભુટાડાએ ફરિયાદ કરી હતી. એના આધારે રાહુલ ગાંધી સામે માનહાનિ અને જાણીજોઈને અપમાન કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને આ પ્રકરણમાં સમન્સ બજાવવામાં આવ્યો હતો. કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા હતા અને એ પછી સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજર રહેવાની પણ પરવાનગી આપી હતી. સુનાવણી દરમ્યાન તેમણે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. કોર્ટે પોલીસને કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે તપાસ કરીને આપેલા રિપોર્ટ બાદ ફરિયાદીએ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસ પાછો ખેંચવાની વિનંતી કરી હતી. એ પછી કોર્ટે માનહાનિના એ કેસની કાર્યવાહી બંધ કરી દીધી છે.