03 March, 2025 10:54 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં પાળેલા જર્મન શેફર્ડ ડૉગ બેન્થોએ વાઘ સામે તેના માલિકનો જીવ બચાવ્યો હતો અને વાઘનો સામનો કરતાં પોતે મૃત્યુને ભેટ્યો હતો. ભરહુત ગામનો યુવાન શિવમ બડગૈયા પાળેલા બેન્થો સાથે ઘરની બહાર ટહેલતો હતો ત્યારે એકાએક વાઘે તેના પર હુમલો કર્યો હતો. એ સમયે ડૉગે પોતાના જાનની પરવા કર્યા વિના ભસવાનું શરૂ કરી દીધું હતું અને તેથી વાઘે શિવમને છોડી જર્મન શેફર્ડ ડૉગ પર હુમલો કર્યો હતો અને તેને જડબાંમાં દબાવી દીધો હતો. બેન્થો નામના આ ડૉગે વાઘનો સામનો કર્યો હતો અને લડવાની પૂરી કોશિશ કરી હતી. જોકે વાઘે એને જંગલ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ડૉગના પ્રતિકારને કારણે વાઘે એને છોડી દીધો હતો અને જંગલમાં જતો રહ્યો હતો. શિવમ બેન્થોને લઈને ડૉક્ટર પાસે ગયો હતો, પણ વાઘના હુમલામાં ઘાયલ થયેલા બેન્થોએ છેલ્લા શ્વાસ લીધા હતા. શિવમે કહ્યું હતું કે જર્મન શેફર્ડ ડૉગ વફાદાર હોય છે એવું સાંભળ્યું હતું, બેન્થોએ મને બચાવવા તેનો જીવ આપી દીધો હતો.