કલકત્તાની ઐતિહાસિક ટ્રામ બંધ થઈ રહી છે

25 September, 2024 09:09 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કલકત્તાની ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં એનો મહત્ત્વનો રોલ રહ્યો છે.

ટ્રામ-સર્વિસ

કલકત્તામાં ૧૮૭૩થી શરૂ થયેલી ટ્રામ-સર્વિસને બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. માત્ર મૈદાનથી એસ્પ્લેનેડ વિસ્તાર વચ્ચે હેરિટેજ ટ્રામ-સર્વિસનું સંચાલન કરવામાં આવશે. જોકે ટ્રામમાં પ્રવાસ કરતા કલકત્તા ટ્રામ યુઝર્સ અસોસિએશનના મેમ્બરો આ નિર્ણયના વિરોધમાં પાંચ ટ્રામ-ડેપો પર વિરોધ-પ્રદર્શન કરશે. દેશમાં માત્ર કલકત્તા શહેરમાં ટ્રામ-સર્વિસનું સંચાલન થાય છે.
આ મુદ્દે પશ્ચિમ બંગાળના પરિવહન પ્રધાન સ્નેહાશિષ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ‘૧૮૭૩માં ટ્રામ-સર્વિસ શરૂ થઈ ત્યારે ઘોડાથી એ ખેંચવામાં આવતી હતી. કલકત્તાની ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં એનો મહત્ત્વનો રોલ રહ્યો છે. જોકે હવે રસ્તા પર ધસારાના સમયે ટ્રામ ઘણી સ્લો જાય છે એટલે ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થાય છે. હવે લોકોને એક જગ્યાથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચવાનું હોય છે એટલે આ સ્લો સ્પીડથી જતી ટ્રામ-સર્વિસને ઑપરેટ કરવી મુશ્કેલ છે. વળી કલકત્તામાં રસ્તા પણ ઓછા અને સાંકડા છે એટલે ટ્રામ-સર્વિસ ધરાવતા રૂટ પર ટ્રાફિક-મૂવમેન્ટ સ્લો થઈ જાય છે.આથી રાજ્ય સરકારને ભારે હૈયે આ નિર્ણય લેવાનો વારો આવ્યો છે. આ સંદર્ભમાં ચાલી રહેલા કોર્ટ-કેસમાં સરકાર એનો આ નિર્ણય જણાવશે.

national news kolkata indian government india