11 April, 2026 08:40 AM IST | Allahabad | Gujarati Mid-day Correspondent
જસ્ટિસ યશવંત વર્મા
અલાહાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ૨૦૨૫ની ૧૪ માર્ચે તેમના દિલ્હીમાં આવેલા સરકારી ઘરમાં આગ લાગી હતી. એ વખતે એમાંથી ૫૦૦ રૂપિયાની સળગેલી નોટો પણ મળી હતી. એ પછી તેમને દિલ્હી હાઈ કોર્ટથી અલાહાબાદ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે ૨૦૨૫ની પાંચમી એપ્રિલે હાઈ કોર્ટના જજ તરીકે સોગંદ લીધા હતા, પણ તેમને કોઈ જવાબદારી સોંપવામાં નહોતી આવી. ઘરમાંથી મળી આવેલી બળેલી ચલણી નોટોના કેસમાં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને ન્યાયકાર્યોથી દૂર રાખવામાં આવ્યા હતા. ગુરુવારે તેમણે રાજીનામું આપ્યું હતું. એમાં તેમણે રાષ્ટ્રપતિને સંબોધીને લખ્યું હતું કે ‘હું તમારા સન્માનિત કાર્યાલયને એ કારણોથી પરેશાન નથી કરવા માગતો જેના કારણે મારે આ પત્ર લખવો પડી રહ્યો છે. જોકે ઊંડા દુખ સાથે હું અલાહાબાદ હાઈ કોર્ટના ન્યાયાધીશપદેથી તત્કાળ પ્રભાવથી રાજીનામું આપી રહ્યો છું.’
સુપ્રીમ કોર્ટના ચીફ સંજીવ ખન્નાએ બાવીસ માર્ચે જસ્ટિસ યશવંત વર્મા પર લાગેલા આરોપોની આંતરિક તપાસ કરવા માટે ૩ સદસ્યોની કમિટી બનાવી હતી. લોકસભામાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. એને પડકાર આપતી અરજી તેમણે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. એમાં કહેવાયું હતું કે હજી રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી નથી મળી એમ છતાં લોકસભાએ તપાસ સમિતિ બેસાડી દીધી એ યોગ્ય નથી. આ કમિટી સામે જસ્ટિસ વર્માએ તેમનો પક્ષ રાખવાનો હતો. આ માટે તેમને ૧૦થી ૧૪ એપ્રિલનો સમય મળ્યો હતો. જોકે તેમણે આ દલીલમાં ઊતરવાને બદલે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. એને કારણે આખા કેસની દિશા જ બદલાઈ ગઈ હતી. તેમના રાજીનામાને કારણે હવે આ કેસ બંધ થઈ જશે. જોકે કેન્દ્ર સરકાર ઇચ્છે તો તેમની વિરુદ્ધ ફરીથી તપાસનો મોરચો ખોલી શકે છે.