06 February, 2024 09:38 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
ચંપાઈ સોરેન , રાહુલ ગાંધી
રાંચી : ચંપઈ સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા-કૉન્ગ્રેસ ગઠબંધન સરકારે ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો છે. શાસક ગઠબંધનને કુલ ૪૭ મત અને વિપક્ષ એનડીએ ગઠબંધનને ૨૯ મત મળ્યા હતા. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની મની લૉન્ડરિંગ જમીન કૌભાંડ કેસમાં ધરપકડ થયા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. તેઓ ફ્લોર ટેસ્ટ દરમ્યાન ગૃહમાં હાજર રહ્યા હતા. તેમના સ્થાને ૬૭ વર્ષના ચંપઈ સોરેન મુખ્ય પ્રધાન બન્યા છે.
હેમંત સોરેને વિધાનસભામાં ઝારખંડના ગવર્નર સીપી રાધાકૃષ્ણન પર તેમની ધરપકડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ‘૩૧ જાન્યુઆરીએ દેશમાં પ્રથમ વખત એક મુખ્ય પ્રધાનની ધરપકડ કરવામાં આવી અને મારું માનવું છે કે આ ઘટનામાં રાજ ભવન પણ સામેલ હતું. દેશમાં વર્તમાન શાસનમાં આદિવાસીઓ અને દલિતો સુરક્ષિત નથી. હું વધુ તાકાત સાથે પાછો ફરીશ અને વિપક્ષના ષડ્યંત્રને નિષ્ફળ બનાવીશ.’
ચંપઈ સોરેને ફ્લોર ટેસ્ટની ચર્ચા દરમ્યાન કહ્યું કે ‘બીજેપીએ હેમંત સોરેનને ફસાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કર્યો અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી ઝારખંડ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો.’
રાહુલ ગાંધી મળ્યા હેમંત સોરેનનાં પત્નીને
કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત સોમવારે રાંચી પહોંચ્યા હતા. અહીં તેઓ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનના નિવાસસ્થાને પહોંચ્યા અને સોરેનનાં પત્ની કલ્પના સોરેન સાથે મુલાકાત કરી હતી. હેમંત સોરેનની મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ થયા બાદ હાલ તેઓ ઈડીની કસ્ટડીમાં છે. કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ કમ્યુનિકેશન્સ જયરામ રમેશે જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધી એચઈસી કૉમ્પ્લેક્સમાં ઐતિહાસિક શહીદ મેદાન ખાતે આયોજિત જાહેર સભાની થોડી મિનિટો પહેલાં કલ્પના સોરેનને મળ્યા હતા. એ પહેલાં જ જેએમએમ-કૉન્ગ્રેસ-આરજેડી-સીપીઆઇ (એમએલ) ગઠબંધને વિશ્વાસ મત જીતીને એનડીએ ગઠબંધનને હરાવ્યું હતું. જયરામ રમેશે રાહુલ ગાંધી અને કલ્પના સોરેનની એક તસવીર પણ શૅર કરી હતી.