જબલપુરની કરુણાંતિકા: પ્રવાસીઓને બોટ ડૂબતી હતી ત્યારે છેક લાઇફ-જૅકેટ આપવામાં આવ્યાં

03 May, 2026 11:02 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

જબલપુરની કરુણાંતિકા બાદ મધ્ય પ્રદેશમાં તમામ ક્રૂઝ, મોટરબોટ અને વૉટરસ્પૉર્ટ‍્સ પર પ્રતિબંધ

તોફાનમાં બોટની અંદર પાણી ભરાવા લાગ્યું ત્યારે છેક બોટના સંચાલકોએ સહેલાણીઓને લાઇફ-જૅકેટ આપવાનું શરૂ કર્યું હતું.

મધ્ય પ્રદેશના જબલપુરમાં બરગી ડૅમમાં ગુરુવારે સાંજે ક્રૂઝ બોટ ડૂબી જવાની ઘટનામાં ભારે વરસાદને કારણે શુક્રવારે શોધ-કામગીરી અટકાવવી પડી હતી. ગઈ કાલે સવારે પાંચ વાગ્યાથી ફરી શોધ શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટના વિશે એક નવો વિડિયો સામે આવ્યો છે જેમાં દેખાય છે કે જ્યારે બોટમાં પાણી ભરાઈ રહ્યું હતું અને એ ડૂબવાની તૈયારીમાં હતી ત્યારે પ્રવાસીઓને લાઇફ-જૅકેટ વહેંચવામાં આવ્યાં હતાં. ઘટનાની થોડીક ક્ષણો પહેલાં સુધી મ્યુઝિક અને મસ્તીમાં ડૂબેલા લોકોએ લાઇફ-જૅકેટ પહેર્યાં નહોતાં. વિડિયોમાં દેખાય છે કે લાઇફ-જૅકેટનાં પૅકેટ બાંધી રાખવામાં આવ્યાં હતાં અને એમાંથી કાઢીને પ્રવાસીઓને આપવામાં આવી રહ્યાં છે. આ સમયે લોકોમાં અફરાતફરી મચી હતી અને લોકો લાઇફ-જૅકેટ લેવા માટે ભાગતા જોવા મળ્યા હતા. લોકો ગભરાઈને એકબીજાને લાઇફ-જૅકેટ આપી રહ્યા હતા. 

સલામતી-ઑડિટ ફરજિયાત
અકસ્માત બાદ મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે મધ્ય પ્રદેશમાં તમામ ક્રૂઝ, મોટરબોટ અને વૉટરસ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. તમામ જળપરિવહનનું સલામતી-ઑડિટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સલામતીનાં ધોરણોની સમીક્ષા કર્યા પછી જ કામગીરીને મંજૂરી આપવામાં આવશે. કોઈ પણ સ્તરે સલામતી સાથે કોઈ બાંધછોડ સહન કરવામાં આવશે નહીં. 

ઉચ્ચ સમિતિની રચના
આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરની એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણના ડિરેક્ટર જનરલ, મધ્ય પ્રદેશ સરકારના સેક્રેટરી અને જબલપુર વિભાગના કમિશનરનો સમાવેશ થાય છે. આ સમિતિ કયા સંજોગોમાં અકસ્માત થયો, સલામતી પ્રોટોકૉલનું પાલન કેમ ન થયું અને ક્રૂઝના સંચાલનમાં રહેલી ખામીઓની તપાસ કરશે. રિપોર્ટના આધારે જવાબદારી નક્કી કરવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે. મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે કહ્યું છે કે આ કેસમાં દોષીને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

૪૭ પ્રવાસી, પણ ૨૯ પાસે ટિકિટ 
ડૂબી ગયેલી બોટમાં લગભગ ૪૭ પ્રવાસીઓ સવાર હતા, પરંતુ ફક્ત ૨૯ પ્રવાસીઓ પાસે ટિકિટ હતી. આ અકસ્માત કિનારાથી આશરે ૩૦૦ મીટર દૂર થયો હતો. ક્રૂઝ ડૂબી ત્યારે પવનની ગતિ આશરે ૭૪ કિલોમીટર પ્રતિ કલાકની હતી. બરગી સિટી પોલીસ-કમિશનર અંજુલ મિશ્રાના જણાવ્યા અનુસાર સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સે ઘણા લોકોને બચાવ્યા હતા, પરંતુ ભારે પવન, અંધારા અને ખરાબ હવામાનને કારણે બચાવ-કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો.

ક્રૂઝ ૨૦ વર્ષ જૂની
હાલમાં બરગી ડૅમ પર ફક્ત એક જ ક્રૂઝ કાર્યરત છે, જે ૨૦૦૬માં બનાવવામાં આવી હતી અને એમાં ૬૦ મુસાફરોની ક્ષમતા છે. બીજી ક્રૂઝ ખરાબ હાલતમાં છે.

અકસ્માતમાં જોવા મળી આટલી બેદરકારીઓ કૅબિનમાં સીલબંધ લાઇફ-જૅકેટ 

હવામાન વિભાગની ઑરેન્જ અલર્ટ છતાં ક્રૂઝ બોટ પરના મુસાફરોને લાઇફ-જૅકેટ વિના જ બોર્ડ પર બેસાડવામાં આવ્યા હતા. ક્રૂઝમાં ચડતી વખતે કોઈ પણ મુસાફરને લાઇફ-જૅકેટ આપવામાં આવ્યું નહોતું. ક્રૂઝ હલવા લાગી ત્યારે લોકો દોડ્યા હતા. બધાં લાઇફ-જૅકેટ કૅબિનમાં સીલબંધ રાખવામાં આવ્યાં હતાં, જેને મુસાફરોએ કોઈક રીતે બહાર કાઢીને પહેર્યાં હતાં.

રેસ્ક્યુ ટીમનું વાહન ખરાબ, બે કલાકનો વિલંબ 
ક્રૂઝ સાંજે ૬ વાગ્યે તોફાનમાં પલટી ગઈ હતી. સાંજે ૬.૧૫ વાગ્યે માહિતી મળ્યા બાદ રેસ્ક્યુ ટીમ સાંજે ૬.૪૦ વાગ્યે રવાના થઈ હતી, પરંતુ વાહન શરૂ થયું નહીં. સંસાધનોને બીજા વાહનમાં ખસેડવામાં આવ્યાં. બીજી ટીમ સાંજે ૭ વાગ્યે રવાના થઈ, જેને કારણે બચાવકાર્યમાં બે કલાકથી વધુ વિલંબ થયો હતો. આ દરમ્યાન સ્થાનિક ખેડૂતો, માછીમારો અને કામદારોએ પોતાના દમ પર ૧૫થી વધુ લોકોને બચાવ્યા હતા. 

દીકરાને વળગીને મૃત્યુ પામેલી મમ્મીએ છેલ્લી ઘડીએ પોતાના ભાઈને વિડિયો-કૉલ પર કહેલું...બચાઓ... બચાઓ...

દીકરાને પોતાના લાઇફ-જૅકેટમાં છાતીસરસો ચાંપેલી અવસ્થામાં મળેલી મમ્મીની ઓળખ દિલ્હીની ૩૯ વર્ષની મરીના તરીકે થઈ હતી. તેની સાથે ૪ વર્ષના દીકરાએ પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. તેનો પતિ પ્રદીપ અને ૧૪ વર્ષની દીકરી બચી ગયાં હતાં. મરીનાના ભાઈ કુલદીપ મોહને કહ્યું હતું કે ‘આ અકસ્માત થયો એની થોડીક ક્ષણ પહેલાં મરીના અમારી સાથે વિડિયો-કૉલ પર હતી. તે અમને વ્યુ બતાવી રહી હતી અને એ વખતે પવન ફૂંકાઈ રહ્યો હતો. જોકે અચાનક જ બધું બદલાઈ ગયું. તે બૂમો પાડવા લાગી હતી, બચાઓ... બચાઓ... અને પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.’

કુલદીપ મોહને આરોપ લગાવ્યો હતો કે ‘અધિકારીઓએ બેદરકારી દાખવી હતી. વેધરમાં યલો અલર્ટ હોવા છતાં સહેલાણીઓને એની વૉર્નિંગ આપવામાં નહોતી આવી. ટૂરિસ્ટ-પ્લેસ પર કાયમી રેસ્ક્યુ ટીમ હોવી જ જોઈએ. ઇમર્જન્સી કંઈ વૉર્નિંગ આપીને નથી આવતી.’

મૃત્યુઆંક ૧૧ થયો, ૪૮ કલાક પછી બે બાળકોનાં શબ મળ્યાં, હજી બે બાળકો સહિત ૩ જણની શોધ
શુક્રવારે જબલપુરમાં ક્રૂઝ બોટના અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૧૧ થઈ હતી. ગઈ કાલે ૪૮ કલાક પછી ડાઇવરોએ બે બાળકોનાં શબ કાઢ્યાં હતાં. એમાંથી એક ચાર વર્ષનું અને બીજું પાંચ વર્ષનું બાળક હતું. હજી બે બાળકો સહિત કુલ ૩ જણની શોધ ચાલી રહી છે. 

જળ નિગમનું ૧૦ કલાકનું બચાવકાર્ય

ઘટનાસ્થળે સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રાઉન્ડ રિસ્પૉન્સ જળ નિગમની ટીમનો હતો. માહિતી મળતાં જ ટીમ રવાના થઈ હતી. ટીમે જોયું કે ક્રૂઝ સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી અને અંધારું અને અંધાધૂંધી છવાઈ ગયાં હતાં. JCB અને ક્રેન્સ જેવી મશીનરી તાત્કાલિક તહેનાત કરવામાં આવી હતી. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે પવન અને અંધકારમાં કામ કરવું અત્યંત પડકારજનક હતું. બચાવકાર્ય લગભગ ૧૦ કલાક સુધી અવિરત ચાલુ રહ્યું હતું. સ્થાનિક પોલીસ સાથે સંકલનમાં ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

national news india madhya pradesh jabalpur indian government Mohan Yadav