સરકારે ૩૦૦ ગેરકાયદે બેટિંગ વેબસાઇટ્સ અને ઍપ્સ બ્લૉક કરી

21 March, 2026 08:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એમાં ઑનલાઇન સ્પોર્ટ્‍સ બેટિંગ પ્લૅટફૉર્મનો પણ સમાવેશ, અત્યાર સુધીમાં ૮૪૦૦ પ્લૅટફૉર્મ બંધ થયાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સરકારે ગેરકાયદે ઑનલાઇન જુગાર અને બેટિંગ સામે મોટી કાર્યવાહી કરીને ૩૦૦ વેબસાઇટ્સ અને ઍપ્સ બ્લૉક કરી છે. અત્યાર સુધીમાં કુલ ૮૪૦૦ આવાં પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાંથી ઑનલાઇન ગેમિંગ ઍક્ટ લાગુ થયા પછી આશરે ૪૯૦૦ વેબસાઇટ્સ બ્લૉક કરવામાં આવી છે.

જે પ્લૅટફૉર્મ્સને નિશાન બનાવવામાં આવ્યાં છે એ મુખ્યત્વે ગેરકાયદે ઑનલાઇન સટ્ટાબાજી અને જુગારમાં સામેલ હતાં. તેઓ મોટા પાયે ગેરકાયદે વ્યવહારો અને જુગારને પ્રોત્સાહન આપી રહ્યાં હતાં. આને રોકવા માટે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ સતત દેખરેખ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઑનલાઇન ગેમિંગ ઍક્ટ લાગુ થયા પછી આવાં પ્લૅટફૉર્મ્સ સામે કાર્યવાહી વધુ તીવ્ર બની છે. સરકારનો દાવો છે કે ડિજિટલ સ્પેસને સુરક્ષિત કરવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ઑનલાઇન ગેમિંગની સજા

રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ : કોઈ પણ પૈસાઆધારિત ગેમ ઑફર કરવી, ચલાવવી, પ્રચાર કરવો ગેરકાનૂની છે. ઑનલાઇન ગેમ રમનારાઓને કોઈ સજા નહીં થાય.

જો કોઈ રિયલ મની ગેમ ઑફર કરે છે કે પ્રચાર કરે છે તો તેને ૩ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આવી જાહેરાતો ચલાવનારા પ્લૅટફૉર્મને બે વર્ષની જેલ અને ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. 

indian government app review india national news news