Independence Day 2024: લાલકિલ્લા પરથી રેકોર્ડબ્રેક લાંબા સમય સુધી બોલ્યા મોદી, અહીં છે મહત્વના મુદ્દા

15 August, 2024 12:25 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Independence Day 2024: નરેન્દ્ર મોદીએ કહ્યું આપણાં બાળકોને મેડિકલ એજ્યુકેશન માટે વિદેશોમાં જવું પડે છે. એટલા માટે અમે નક્કી કર્યું છે કે પાંચ વર્ષમાં 75 હજાર સીટો વધારવામાં આવશે

ભાષણ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

આજે સમગ્ર ભારત દેશ ૭૮માં સ્વતંત્રતા દિવસ (Independence Day 2024)ની ધૂમધામ સાથે ઉજવણી કરી રહ્યો છે ત્યારે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા માટે પણ લોકો તલપાપડ થતાં હોય છે. આજે સતત 11મી વખત લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. 

પીએમ મોદીએ આજનાં પોતાના ભાષણમાં લાલ કિલ્લાની પ્રાકૃતિક આફતોથી લઈને શાસન મોડલ સુધીના ઘણા વિષયો પર વિગતે વાતો કરી હતી. આ સાથે જ તેઓએ ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

લોકોને પ્રતિબદ્ધ થવાનું કહેતાં નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ ભાષણમાં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે લોકો દેશ (Independence Day 2024)ને કાજે મરવા સુદ્ધાં પ્રતિબદ્ધ હતા, આજે દેશ માટે જીવવા માટે પ્રતિબદ્ધ થવાનો સમય છે. મરવાની પ્રતિબદ્ધતા જ સ્વતંત્રતા લાવી શકે છે અને જીવવાની પ્રતિબદ્ધતા પણ ભારતને સમૃદ્ધ બનાવી શકે છે. 

કુદરતી આપત્તિના સંકટને લઈને પોતાની મનોવ્યથા વ્યક્ત કરી 

લાલ કિલ્લા પરથી પોતાના રાષ્ટ્રજોગ સંબોધન (Independence Day 2024)માં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ વર્ષ એવું રહ્યું છે કે જેમાં કુદરતી આફતો વધી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી આ બાબતે આપણા બધાની ચિંતાઓ વધારી છે. કુદરતી આફતમાં ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. મિલકત ગુમાવી છે. રાષ્ટ્રને પણ નુકસાન થયું છે. આજે હું તે બધા પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને તેમને ખાતરી આપવા માંગુ છું કે સંકટની આ ઘડીમાં દેશ તેમની સાથે છે.

આત્મનિર્ભર મુદ્દે પણ મૂક્યો ભાર

નરેન્દ્ર મોદીએ લોકો સામે પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિશ્વની સ્કિલ કેપિટલનું સૂચન અમારી સમક્ષ મૂકવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ ભારતને ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાનું સૂચન કર્યું હતું. કેટલાક લોકોએ આપણી ભારતીય યુનિવર્સિટીઓને વૈશ્વિક બનાવવાનું સૂચન કર્યું હતું. કેટલાક લોકોએ મીડિયાને વૈશ્વિક બનાવવાનું સૂચન કર્યું હતું. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે આપણા કુશળ યુવાનો વિશ્વની પ્રથમ પસંદગી બનવું જોઈએ. આખરે ભારતે જેમ વહેલું બને તેમ દરેક મહત્વના ક્ષેત્રમાં આત્મનિર્ભર થવું જ જોઈએ.

તેમણે કહ્યું કે આજે દેશના 18 હજાર ગામડાઓ સુધી  વીજળી પહોંચાડવાનું કામ થઈ ગયું છે. પણ આઝાદીના આટલા વર્ષો પછી પણ 2.5 કરોડ પરિવારો એવા છે જ્યાં વીજળી હજી સુધી પહોંચી નથી, તેઓ અંધકારમાં જીવી રહ્યાં છે. જો તે 2.5 કરોડ ઘરોમાં વીજળી પહોંચે તો આ આત્મવિશ્વાસ વધશે. 

વોકલ ફોર લોકલ એક નવો મંત્ર જ બની ગયો છે 

આ સાથે જ તેઓએ એ વાતની ખુશી વ્યક્ત કરી હતી કે વોકલ ફોર લોકલ અર્થતંત્ર માટે નવો મંત્ર બની ગયો છે. દરેક જિલ્લો તેને ત્યાં થતી ઉપજ પર ગર્વ લેવા લાગ્યો છે. એક જિલ્લો-એક ઉત્પાદનનું વાતાવરણ ઊભું થયું છે. હવે દરેક જિલ્લાએ `એક જિલ્લા-એક ઉત્પાદન`ની દિશામાં વિચારવાનું શરૂ કર્યું છે. 

તેઓએ પોતાની સ્પીચ (Independence Day 2024)માં કહ્યું કે આપણાં બાળકોને મેડિકલ એજ્યુકેશન માટે વિદેશોમાં જવું પડે છે. એટલા માટે અમે નક્કી કર્યું છે કે પાંચ વર્ષમાં 75 હજાર સીટો વધારવામાં આવશે. અમારી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે ખેડૂતોના બાળકોને પણ સારું શિક્ષણ મળે. કૃષિ ક્ષેત્રે પણ સુધારા જરૂરી છે. આ સાથે જ તેઓએ માતૃભાષામાં શિક્ષણનાં મહત્વ અંગે પણ પોતાના વિચારો મૂક્યા હતા.

ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે- મોદી 

Independence Day 2024: પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે. મારી પ્રતિષ્ઠા રાષ્ટ્રની પ્રતિષ્ઠાથી મોટી નથી. મારું સપનું રાષ્ટ્રના સપનાથી મોટું નથી. હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે તમે મને જે જવાબદારી સોંપી છે, હું ત્રીજી ટર્મમાં ત્રણ ગણી વધુ તાકાત અને ત્રણ ગણી વધુ ઉર્જા સાથે કામ કરીશ.

national news narendra modi india independence day red fort delhi news new delhi indian government bharatiya janata party