વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલની અસર

13 May, 2026 11:32 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટના જજ કાર છોડીને સાઇકલ પર કોર્ટમાં પહોંચ્યા, લઘુ ઉદ્યોગ નિગમના અધ્યક્ષે કાર છોડીને ઈ-રિક્ષાની સવારી કરી

જસ્ટિસ ડી. ડી. બંસલ, સત્યેન્દ્ર ભૂષણ સિંહ

મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના જસ્ટિસ ડી. ડી. બંસલે મંગળવારે પોતાની લક્ઝરી સરકારી કારનો ત્યાગ કરીને સાઇકલ પર કોર્ટમાં પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા.

જસ્ટિસ ડી. ડી. બંસલે સિવિલ લાઇન્સસ્થિત તેમના સરકારી નિવાસસ્થાનથી હાઈ કોર્ટ સુધીનું આશરે ૩ કિલોમીટરનું અંતર સાઇકલ ચલાવીને કાપ્યું હતું. રસ્તા પર સાઇકલ ચલાવતા ન્યાયાધીશનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ‘મુશ્કેલ સમયમાં આપણે દરેક સંભવ રીતે ઈંધણ બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. લોકોએ એવું ન વિચારવું જોઈએ કે હાઈ કોર્ટના જજ સાઇકલ ન ચલાવી શકે. સાઇક્લિંગ માત્ર ઈંધણ જ નથી બચાવતું, સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.’

નોંધનીય છે કે જસ્ટિસ બંસલની સાથે કોર્ટનો એક કર્મચારી પણ સાઇકલ પર હતો, જે તેમની બૅગ અને ટિફિન લઈને જઈ રહ્યો હતો. તેમણે ઉમેર્યું કે તેઓ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ સચદેવા પાસેથી પણ પ્રેરિત થયા છે.

બીજી તરફ મધ્ય પ્રદેશ લઘુ ઉદ્યોગ નિગમના નવનિયુક્ત અધ્યક્ષ સત્યેન્દ્ર ભૂષણ સિંહે પણ પર્યાવરણ અને ઈંધણ બચાવવા માટે અનોખી પહેલ કરી હતી. તેઓ પોતાનો પદભાર ગ્રહણ કરવા માટે કારને બદલે ઈ-રિક્ષામાં બેસીને ઑફિસ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નાના પ્રયાસોથી જ ઈંધણની બચત અને પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય છે.

national news india madhya pradesh narendra modi indian government