01 November, 2026 07:45 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
હરિયાણાના પંચકૂલાની એક સ્કૂલમાં કિન્ડર ગાર્ટન (KG)માં ભણતી ૬ વર્ષની બાળકી પર ત્રીજા ધોરણમાં ભણતા ૮ વર્ષના વિદ્યાર્થીએ ક્રૂર હુમલો કર્યો હતો. ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થયેલી ૯૬ સેકન્ડની આ ઘટનાએ ભારે ખળભળાટ મચાવ્યો હતો. વિદ્યાર્થીએ બાળકીનું માથું બેન્ચ પર પછાડ્યું, વાળ ખેંચીને જમીન પર ફેંકી અને પથ્થર તથા ફ્લાવર-પૉટથી તેના માથા તથા ચહેરા પર અનેક ઘા માર્યા હતા.
ઑટો-ડ્રાઇવર જ્યારે બાળકીને લેવા પહોંચ્યો અને તે ન મળી ત્યારે પરિવારજનો તાત્કાલિક સ્કૂલમાં પહોંચ્યા હતા. આરોપી વિદ્યાર્થીએ જ તેમને બાળકી ઉપરના રૂમમાં પડી હોવાની જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં મળેલી બાળકીને પહેલાં સ્થાનિક હૉસ્પિટલમાં અને ત્યાર બાદ ચંડીગઢની પોસ્ટ-ગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (PGI)માં ખસેડવામાં આવી છે.