સબકો માફ કરતે હુએ... ઔર સબસે માફી માગતે હુએ... અબ જાઓ

16 March, 2026 08:38 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

હરીશ રાણાની પૅસિવ ઇચ્છામૃત્યુની પ્રક્રિયા શરૂ થતાં પહેલાં પરિવારે આપી ભાવભરી વિદાય, બ્રહ્માકુમારીનાં દીદીએ કહ્યું...

લવલી દીદી હરીશને વિદાય આપી રહ્યા છે એ ભાવુક ઘટનાનો સોશ્યલ મીડિયામાં ફરતા વિડિયોનો સ્ક્રીન-શૉટ.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી શનિવારે વહેલી સવારે હરીશને પ્રાઇવેટ વાહનમાં દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, ગઈ કાલે બે લાઇફ સપોર્ટ મશીનો હટાવી લેવામાં આવ્યાં છે, હવે તેનું શરીર કુદરતી રીતે કેવો પ્રતિભાવ આપે છે એના પર આગળની પ્રક્રિયા નિર્ભર રહેશે

ભારતમાં પહેલી વાર પૅસિવ ઇચ્છામૃત્યુની પ્રક્રિયા અંતર્ગત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં ગાઝિયાબાદના હરીશ રાણાની લાઇફ સપોર્ટ સિસ્ટમ ધીમે-ધીમે હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શનિવારે હરીશને AIIMSમાં દાખલ કરવામાં આવ્યો એ પહેલાં ૧૩ માર્ચે ગાઝિયાબાદના સાહિબાબાદસ્થિત બ્રહ્માકુમારી કેન્દ્રનાં કુમારી લવલી દીદી અને પ્રભુમિલન ભવનની બહેનો તેના ઘરે પહોંચી હતી. અહીં તેમણે હરીશના માથે પહેલાં ચંદનનું તિલક કર્યું હતું અને પછી અંતિમ વિદાય આપી હતી. એ ઘટનાની ૨૦ સેકન્ડની વિડિયો-ક્લિપ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી જે ભલભલાને ભાવુક કરી દેનારી હતી. લવલી દીદીએ કહ્યું હતું, ‘સબ કો માફ કરતે હુએ... ઔર સબસે માફી માગતે હુએ... અબ જાઓ... ઠીક હૈ?’

બ્રહ્માકુમારીની દીદીઓએ હરીશ માટે વિશેષ પ્રાર્થના અને મેડિટેશન પણ કર્યું હતું.

વહાલસોયા દીકરાની સારવાર માટે ૧૩ વર્ષ સુધી લાગલગાટ મહેનત કરનારાં અને પછી દીકરાને સન્માનપૂર્વક મૃત્યુ મળે એ માટે સુપ્રીમ કોર્ટમાં ધા નાખનારાં માતા‌-પિતા પણ ખરેખર દીકરાની વિદાયની ઘડી આવી ત્યારે ભાંગી પડ્યાં હતાં.

શનિવારે એટલે કે ૧૪ માર્ચે સવારે ૯ વાગ્યે તેના પિતા અશોક રાણા અને મમ્મી નિર્મલાબહેન હરીશને અંગત વાહનમાં દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં લઈ આવ્યાં હતાં. અશોક રાણાએ કહ્યું હતું કે ‘દીકરા સાથેની આ છેલ્લી પળોને અમે બહુ અંગત રાખવા માગીએ છીએ. હવે તે જેટલી પણ પળો અહીં છે એને અમે સાથે જીવવા માગીએ છીએ.’

હરીશને શું થયું હતું?

૨૦૧૩ના ઑગસ્ટ મહિનામાં રક્ષાબંધનના દિવસે તે મોબાઇલ પર વાત કરતાં-કરતાં ચોથા માળેથી નીચે પડી ગયો હતો. એ પછી તેનું ગળાથી નીચેનું આખું શરીર નિષ્ક્રિય થઈ ગયું હતું. છેલ્લાં ૧૩ વર્ષથી તે પથારીમાં કોઈ જ હલનચલન વિના કોમા જેવી સ્થિતિમાં પડી રહ્યો છે. ૧૧ માર્ચે સુપ્રીમ કોર્ટે હરીશનાં માતા-પિતાની દીકરાને પૅસિવ ઇચ્છામૃત્યુની પરવાનગી આપી દીધી હતી.

હવે આગળ શું?

સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ હવે હરીશને સન્માનજનક રીતે કુદરતી મૃત્યુ મળે એ માટેની પ્રક્રિયા AIIMSના નિષ્ણાતોની નિગરાનીમાં શરૂ થઈ ગઈ છે. AIIMSના રોટરી કૅન્સર પેલિએટિવ કૅર યુનિટમાં હરીશને દાખલ કરવામાં આવ્યો છે જ્યાં છ ડૉક્ટરોની ટીમ પૅસિવ ઇચ્છામૃત્યુની પ્રક્રિયાની દેખરેખ કરે છે.  ધીમે-ધીમે તેની ફીડિંગ ટ્યુબ અને કૃત્રિમ રીતે શ્વાસ આપતી નળી દૂર કરી દેવામાં આવી છે. ડૉક્ટરોની નિગરાનીમાં આ પ્રક્રિયા ખૂબ સાવધાની સાથે તબક્કાવાર કરવામાં આવશે. આ માટેની પૂરી પ્રક્રિયા મેડિકલ પ્રોટોકૉલ અને કાનૂની નિર્દેશો સાથે જ આગળ વધારવામાં આવશે. લાઇફ સપોર્ટનાં ઉપરકણો હટાવ્યા પછી હવે હરીશનું શરીર કેવી પ્રતિક્રિયા આપે છે એના પર મેડિકલ સ્થિતિ નિર્ભર રહેશે. ડૉક્ટરોના કહેવા મુજબ પૅસિવ ઇચ્છામૃત્યુની આ પ્રક્રિયા જલદી પૂરી થઈ શકે છે, પરંતુ એની કોઈ નિશ્ચિત સમયસીમા નક્કી નથી.

national news india ghaziabad delhi news new delhi supreme court