27 June, 2024 09:07 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તામિલનાડુમાં ઍપલ કંપનીના આઇફોન સહિતનાં ઉત્પાદનો બનાવતી ફૉક્સકૉન કંપની એના ઍસેમ્બલી પ્લાન્ટમાં પરિણીત મહિલાઓને નોકરી આપતી નથી એવો ઘટસ્ફોટ થયા બાદ ગઈ કાલે કેન્દ્ર સરકારે તામિલનાડુ સરકાર પાસે આ બાબતે વિગતવાર રિપોર્ટ માગ્યો હતો. લેબર ઍન્ડ એમ્પ્લૉયમેન્ટ મિનિસ્ટ્રીએ ઇક્વલ રેમ્યુનરેશન ઍક્ટ, ૧૯૭૬ને ટાંકીને સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું કે ‘કાયદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને નોકરીએ રાખતી વખતે સ્ત્રી કે પુરુષનો ભેદભાવ ન કરી શકાય. અમે આની તપાસ કરવા માટે તામિલનાડુ સરકારને ફૅક્ચ્યુઅલ રિપોર્ટ મોકલવા કહ્યું છે.’
પચીસમી જૂને રૉઇટર્સ નામની ન્યુઝ-એજન્સીએ પ્રકાશિત કરેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ‘ઍપલ કે ફૉક્સકૉન કંપની કર્મચારીના પરિણીત સ્ટેટસના આધારે નોકરી આપવામાં કોઈ ભેદભાવ કરતી નથી, પણ તામિલનાડુમાં ચેન્નઈ પાસે આવેલા શ્રી પેરુમ્બુદુરના પ્લાન્ટમાં આવું થઈ રહ્યું છે. એમાં જણાવવામાં આવ્યું છે કે ફૉક્સકૉન કંપનીને લાગે છે કે પરિણીત મહિલાઓ પર પરિવારની વધારે જવાબદારી હોય છે અને એથી તેઓ પરિણીત મહિલાની નોકરીની અરજીઓ ફગાવી દે છે. તેમને લાગે છે કે પરિણીત મહિલા કરતાં અપરિણીત મહિલા પર પરિવારની જવાબદારી ઓછી છે. આ મુદ્દે ફોક્સકૉન કંપનીનું કહેવું છે કે પરિણીત મહિલાઓને લગ્ન બાદ ઘણી સમસ્યાનો સામનો કરવાનો હોય છે. આ પ્લાન્ટમાં કામ કરી ચૂકેલા ભૂતપૂર્વ કર્મચારીઓ અને હાલના કર્મચારીઓ સાથેની વાતચીતના આધારે આ અહેવાલ તૈયાર કરાયો છે. એજન્ટો અને ફોક્સકૉનના હ્યુમન રિસૉર્સ વિભાગનાં સૂત્રોના જણાવવા મુજબ પરિણીત મહિલાઓ પર ઘરની જવાબદારી હોય છે, તેઓ પ્રેગ્નન્સી વખતે રજા લે છે અને વિવિધ કારણોસર ઑફિસમાં આવતી નથી. વળી પરિણીત હિન્દુ મહિલાઓ જ્વેલરી પહેરીને કામ પર આવે છે અને એનાથી પ્રોડક્શન પર અસર થાય છે.’
જોકે આ મુદ્દે ફોક્સકૉન ઇન્ડિયાના ભૂતપૂર્વ હ્યુમન રિસોર્સ એક્ઝિક્યુટિવ એસ. પૉલે રાઇટર્સને કહ્યું હતું કે ‘નોકરીમાં કોને રાખવાના છે એની જાણકારી મૌખિક રીતે ભારતીય હાયરિંગ એજન્સીઓને આપી દેવામાં આવે છે. જ્યારે પરિણીત મહિલાને નોકરીમાં રાખવામાં આવે ત્યારે રિસ્ક ફૅક્ટર વધી જાય છે. કંપની સાંસ્કૃતિક કારણોસર પરિણીત મહિલાને નોકરી આપતી નથી.’