મોદી સરકાર 3.0માં TDPને ચાર અને JDUને બે મંત્રાલય, આજે બેઠકમાં લેવાયો નિર્ણય!

08 June, 2024 08:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આવતીકાલે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમની સાથે નવી સરકારની કેબિનેટ પણ શપથ લેશે. આ પહેલા મોદી સરકાર 3.0માં મંત્રાલયને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે

નરેન્દ્ર મોદી

રવિવારે 9 જૂને મોદી સરકાર 3.0 (Modi Cabinet 3.0)ની રચના થવા જઈ રહી છે. આવતીકાલે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમની સાથે નવી સરકારની કેબિનેટ પણ શપથ લેશે. આ પહેલા મોદી સરકાર 3.0માં મંત્રાલયને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આ વખતે બીજેપી પોતાના દમ પર સરકાર બનાવી શકી ન હોવાથી એનડીએના સહયોગી ટીડીપી અને જેડીયુને મંત્રી પદ મળશે તે નિશ્ચિત માનવામાં આવે છે. મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી કેબિનેટ (Modi Cabinet 3.0)માં ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને ચાર મંત્રાલયો મળશે, જ્યારે જેડીયુને બે મંત્રાલયો મળશે.

ટીડીપીએ 4, જેડીયુએ 2 મંત્રાલય માગ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદીની નવી કેબિનેટ (Modi Cabinet 3.0)માં સ્થાન મેળવનારા ચાર TDP નેતાઓમાંથી ત્રણ રામ મોહન નાયડુ, હરીશ બાલયોગી અને દગ્ગુમલ્લા પ્રસાદ છે. જ્યારે નીતિશ કુમારની JDUએ બે વરિષ્ઠ નેતાઓ લાલન સિંહ અને રામનાથ ઠાકુરના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. લાલન સિંહ બિહારના મુંગેરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા, જ્યારે રામનાથ ઠાકુર રાજ્યસભાના સાંસદ છે. રામનાથ ઠાકુર ભારત રત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર છે.

એનડીએ કેબિનેટ અંગે બેઠક

શપથ ગ્રહણ પહેલા શનિવારે કેબિનેટમાં મંત્રાલયોને લઈને એનડીએની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં ટીડીપીએ આંધ્ર પ્રદેશમાં 16 લોકસભા બેઠકો જીત્યા બાદ ચાર મંત્રાલયો અને સંસદના અધ્યક્ષ પદની માંગ કરી હતી. જેડીયુએ 12 બેઠકો જીત્યા બાદ બે કેબિનેટ મંત્રાલય માંગ્યા હતા. જો કે હજુ સુધી કોઈ પક્ષે આ અંગે ખુલીને કંઈ કહ્યું નથી.

એનડીએ સરકાર રચવામાં નાયડુ અને નીતિશ કિંગમેકર

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં બીજેપી પોતાના દમ પર બહુમતી મેળવી શકી નથી. ભાજપને માત્ર 240 બેઠકો મળી હતી. જ્યારે સરકાર બનાવવા માટે 272 સીટોની જરૂર હતી. જોકે એનડીએ ગઠબંધનને બહુમતી મળી હતી. ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર સરકાર રચવામાં કિંગમેકર તરીકે ઉભરી આવ્યા હતા. જોકે, હવે બંને નેતાઓ કેબિનેટને લઈને ભાજપ દ્વારા તેમની માંગણીઓ સંતોષવા પ્રયાસ કરી રહ્યા છે.

શપથવિધિ ૯ જૂને સાંજે ૭.૧૫ વાગ્યે

નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આ‍વ્યા બાદ તેઓ ગઈ કાલે સાંજે છ વાગ્યે રાષ્ટ્રપતિભવન ગયા હતા અને નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો. મોદીએ ભગવાન જગન્નાથની તસવીર ભેટ આપીને રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું.

મોદીએ સરકાર રચવા માટે પૂરતું સંખ્યાબળ હોવાના સાથીપક્ષોના પત્રો પણ સુપરત કર્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું અને રવિવારે ૯ જૂને રાત્રે ૭.૧૫ વાગ્યે રાષ્ટ્રપતિભવનમાં નવી સરકારનો શપથવિધિ-સમારોહ યોજાશે.

રાષ્ટ્રપતિભવન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ BJP પ્રણિત NDAની પાસે નવી સરકાર રચવા માટે પૂરતું સમર્થન હોવાથી તેમને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે.

narendra modi nitish kumar n chandrababu naidu bharatiya janata party janata dal united telugu desam party india national news Lok Sabha Election 2024