26 October, 2026 02:46 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ઇલેક્શન કમિશન ઑફ ઈન્ડિયા
રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ મતદારયાદીમાં ગેરરીતિઓ શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા સૉફ્ટવેર, ઍપ અથવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલનું નામ અને વર્ઝનનો ખુલાસો કરવાનો ચૂંટણીપંચે સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ચૂંટણીપંચે દલીલ કરી હતી કે આ જાણકારી કમર્શિયલ કૉન્ફિડન્સ, ટ્રેડ સીક્રેટ અને ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) સાથે સંબંધિત છે અને RTI કાયદાની કલમ 8(1)(d) હેઠળ મુક્તિને પ્રાપ્ત છે.
આ RTI અરજી તેલંગણના કરીમનગરના રહેવાસી એમ. એ. મુજીબ અયુબે દાખલ કરી હતી. તેણે ચૂંટણીપંચને અનેક સવાલો પૂછ્યા હતા. એમાં મતદાર ડેટામાં વિસંગતતાઓ શોધવા માટે કયા સૉફ્ટવેર અથવા AI પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? શું સિસ્ટમ આપમેળે નામોને કાઢી નાખવા માટે ચિહનિત કરે છે? માન્ય મતદારનું નામ ભૂલથી કાઢી ન નાખવામાં આવે એની ખાતરી કરવા માટે સુરક્ષાનાં કયાં પગલાં લેવામાં આવ્યાં છે? કયા અધિકારી ચિહનિત વિસંગતતાઓની સમીક્ષા કરે છે? વગેરે સામેલ છે.
ચૂંટણીપંચે કલમ 8(1)(ડી)ને ટાંકીને કહ્યું હતું કે સૉફ્ટવેરનું નામ અથવા વર્ઝન જાહેર કરવાથી થર્ડ પાર્ટી સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન થઈ શકે છે.
ચૂંટણીપંચે કહ્યું હતું કે SIR માટે કોઈ નવું સૉફ્ટવેર ખરીદવામાં આવ્યું નથી. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 13B હેઠળ સંબંધિત વિધાનસભા મતવિસ્તારના ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (ERO)ને તથ્યો અને દસ્તાવેજોના આધારે નામ ઉમેરવા અથવા દૂર કરવા માટે વૈધાનિક સત્તા છે.