17 April, 2026 07:12 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક હોવા છતાં ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF)ના તાજેતરના રૅન્કિંગમાં દેશને મોટો ઝટકો લાગ્યો છે. ગયા વર્ષે ૯ ટકાનો મજબૂત નૉમિનલ ગ્રોથ હાંસલ કરવા છતાં ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં પાંચમા સ્થાનેથી ખસીને છઠ્ઠા સ્થાને આવી ગયું છે. બ્રિટન હવે ભારતને પછાડીને પાંચમા ક્રમે પહોંચી ગયું છે.
ભારતની ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) રૂપિયાના મૂલ્યમાં વધી છે, પરંતુ વૈશ્વિક રૅન્કિંગ ડૉલરમાં નક્કી થાય છે. અહીં જ ભારતને કરન્સી કન્વર્ઝનમાં ફટકો પડ્યો છે.
રૂપિયાનું અવમૂલ્યન
૨૦૨૪માં ડૉલર સામે રૂપિયો ૮૪.૬ના સ્તરે હતો, જે ૨૦૨૫માં નબળો પડીને ૮૮.૫ સુધી પહોંચી ગયો હતો.
ભારતની GDP રૂપિયામાં ૩૧૮ ટ્રિલ્યનથી વધીને ૩૪૬.૫ ટ્રિલ્યન થઈ છે, પરંતુ ડૉલરમાં એનું મૂલ્ય અંદાજે ૩.૯૨ ટ્રિલ્યન ડૉલર આંકવામાં આવ્યું છે. એની સામે બ્રિટન ૪ ટ્રિલ્યન ડૉલર સાથે ભારતથી આગળ નીકળી ગયું છે.
સરળ ભાષામાં કહીએ તો જો તમે ગયા વર્ષે ૮૪ રૂપિયા કમાયા હોય જે એક ડૉલર બરાબર હતા અને આ વર્ષે તમે ૮૮ રૂપિયા કમાયા હોવા છતાં જો ડૉલરનો ભાવ જ ૮૮ રૂપિયા થઈ જાય તો વૈશ્વિક બજારમાં તમારી કમાણી સ્થિર અથવા ઓછી દેખાય છે. ભારત સાથે પણ આવું જ થયું છે. રૂપિયાની નબળાઈએ ડૉલરની નજરમાં ભારતની વૃદ્ધિને ‘નાની’ કરી દીધી છે.
નિષ્ણાતોનો વિશ્વાસ હજી અકબંધ
આ પછડાટ છતાં આર્થિક નિષ્ણાતો અને IMF માને છે કે ભારત હજી પણ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અનુમાન છે કે ૨૦૩૧ સુધીમાં ભારત જપાન અને જર્મની જેવા દેશોને પછાડીને ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે. હાલના તબક્કે જપાન ૪.૪૪ ટ્રિલ્યન ડૉલર સાથે ભારતથી ઘણું આગળ છે.