14 April, 2025 01:42 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી અને ઉત્તર પ્રદેશ-બિહારમાં હવામાન અત્યંત ખરાબ થઈ રહ્યું છે. છેલ્લા બે દિવસથી દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. ખેડૂતોના પાકને પણ ઘણું નુકસાન થયું છે. વરસાદ અને ભારે પવનની સ્થિતિને કારણે ૪૦૦થી વધુ ફ્લાઇટ્સને અસર પહોંચી છે.
ઉત્તર ભારતમાં કમોસમી વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. રવિવારે હવામાન વિભાગે આવતા ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશથી બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળથી ઓડિશા-છત્તીસગઢ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા બુલેટિન મુજબ આવતા ૨૪ કલાકમાં પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા તેમ જ છત્તીસગઢના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
આ રાજ્યોમાં ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી પણ શક્યતા છે. ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ ઉપરાંત કેરલા, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ ઉપરાંત ઉત્તર-પૂર્વીય રાજ્યો અને દક્ષિણમાં આંદામાન નિકોબારથી તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ સુધી વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિ એક નવા પશ્ચિમી વિક્ષેપને કારણે ઊભી થઈ છે જે હવે પૂર્વ તરફ આગળ વધી રહી છે. આને કારણે દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે, જ્યારે મેઘાલય પર એક નવું ચક્રવાતી પરિભ્રમણ પણ રચાયું છે. ૧૬ એપ્રિલે પશ્ચિમી હિમાલય ક્ષેત્રને એક નવો પશ્ચિમી વિક્ષેપ અસર કરી શકે છે.