17 December, 2025 11:01 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હી
દિલ્હીમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) નીચલા સ્તરે પહોંચી ગયો છે અને લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એવી ઝેરી હવાને કારણે દિલ્હી સરકારે કેટલાક કઠોર નિર્ણયો લીધા છે. આ મુદ્દે દિલ્હીના પર્યાવરણપ્રધાન મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે ગુરુવાર, ૧૮ ડિસેમ્બરથી ફક્ત BS (ભારત સ્ટાન્ડર્ડ) 6 અનુરૂપ વાહનોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જે રાષ્ટ્રીય રાજધાનીની બહારથી આવતાં અન્ય તમામ વાહનો પર અસરકારક રીતે પ્રતિબંધ મૂકશે. આ સિવાયનાં વાહનો દિલ્હીમાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કરશે તો એમને જપ્ત કરી લેવામાં આવશે. વળી ગુરુવારથી માન્ય પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટ વિનાનાં દિલ્હીનાં વાહનોને રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ-પમ્પ પર ઈંધણ ભરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય બાંધકામ-સામગ્રી વહન કરતી ટ્રકોને ભારે દંડ કરવામાં આવશે અને જપ્ત કરવામાં આવશે.