06 April, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનેત્રા પવાર
બારામતીમાં ૨૩ એપ્રિલે યોજાનારી પેટાચૂંટણી માટે કૉન્ગ્રેસે રવિવારે મહારાષ્ટ્રનાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર સામે એના સ્ટેટ યુનિટના સચિવ આકાશ મોરેને મેદાનમાં ઉતાર્યા છે.
કૉન્ગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના ભૂતપૂર્વ વિધાનપરિષદના સભ્ય વિજયરાવ મોરેના પુત્ર છે અને ધનગર સમુદાયના છે. તેઓ સોમવારે પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કરશે. સુનેત્રા પવાર પણ આજે પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કરશે. જોકે સુનેત્રા પવારે રવિવારે સ્ટેટ કૉન્ગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળને ફોન કરીને બારામતી વિધાનસભા ક્ષેત્રમાં બિનહરીફ પેટાચૂંટણી કરાવવાની વિનંતી કરી હતી. એના એક દિવસ પહેલાં સુનેત્રા પવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેનો ટેકો પણ માગ્યો હતો છતાં સુનેત્રા પવાર બિનવિરોધી ચૂંટણી લડી નહીં શકે.
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના ધારાસભ્ય અને તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ થતાં આ પેટાચૂંટણી જરૂરી બની હતી. તેમણે પુણે જિલ્લાની આ બેઠકનું ૮ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં તેમને કેટલીક જીત રેકૉર્ડ માર્જિનથી મળી હતી.