07 June, 2026 10:54 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે જંતરમંતર પર ભેગા થયેલા અસંખ્ય સમર્થકોને સંબોધન કરતો અભિજિત દીપકે. તેના હાથમાં બાબાસાહેબ આંબેડકરની આત્મકથા હતી. આ વિરોધ-પ્રદર્શનમાં સોનમ વાંગચુક પણ જોડાયા હતા.
નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીક મામલે તથા CBSEના મૂલ્યાંકન વિવાદ વિશે શનિવારે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. પહેલાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગ્યા પછી CJPએ પરીક્ષા-કૌભાંડો અંગે કડક પગલાં લેવા માટે સરકારને ૭ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આપેલા સમયગાળામાં કોઈ સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો આ આંદોલનને સમગ્ર દેશમાં વિસ્તારવામાં આવશે અને ઉગ્ર દેશવ્યાપી વિરોધ-પ્રદર્શનો શરૂ કરવામાં આવશે.
નાટકીય ઘટનાક્રમ
શનિવારે સવારે અમેરિકાથી દિલ્હી ઍરપોર્ટ પહોંચતાંની સાથે જ કૉક્રૉચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે જંતરમંતર પર વિશાળ વિરોધ-પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. ઍરપોર્ટ પર પણ ભારે ડ્રામા વચ્ચે તે દોઢ કલાક સુધી ગુમ રહ્યા બાદ અચાનક બહાર આવ્યો હતો, પરંતુ મીડિયા સાથે ચર્ચા કરવાને બદલે હાથમાં બાબાસાહેબ આંબેડકરની આત્મકથા લહેરાવીને ચાલતી પકડી હતી.
પોલીસે અચાનક પરવાનગી આપી
અભિજિત દીપકે દિલ્હીમાં લૅન્ડ થયો એ પછી છેલ્લી ઘડીએ પોલીસ દ્વારા તેને જંતરમંતર પર પ્રદર્શન માટેની છૂટ આપવામાં આવી હતી. ભારે પોલીસસુરક્ષા વચ્ચે તે જંતરમંતર પહોંચ્યો હતો. આ પ્રદર્શનમાં લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ જોડાયા હતા અને તેમણે શિક્ષણપ્રધાનના રાજીનામાની માગણીને ટેકો આપ્યો હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને શિવસેના (UBT)એ પણ આ યુવા આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું.
કૉક્રૉચ જનતા પાર્ટીની મુખ્ય માગણીઓ
પરીક્ષાઓ અને ભરતીપ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા લાવવી.
યોગ્ય તાલીમ આપ્યા બાદ જ શિક્ષણનું ડિજિટાઇઝેશન કરવું.
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને વાલીઓની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
અભિજિત દીપકે પેરન્ટ્સને મળવા ઊપડ્યો
સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં પ્રદર્શનકારીઓ કનૉટ પ્લેસ તરફ આગળ વધ્યા હતા. શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શનની પૂર્ણાહુતિ બાદ અભિજિત દીપકેએ મીડિયાને જણાવ્યું કે ‘આ માત્ર એક ટ્રેલર હતું અને આગામી દિવસોમાં લડત વધુ ઉગ્ર બનશે. હાલ તો હું મારાં માતા-પિતાને મળવા જઈ રહ્યો છું. તેમણે છેલ્લા ૧૫ દિવસમાં ઘણું સહન કર્યું છે. હું તેમને ઘરે પાછા લાવીને તેમની સાથે થોડો સમય વિતાવવા માગું છું. હું વર્ષોથી તેમને મળ્યો નથી અને છેલ્લા થોડા સમયના ઘટનાક્રમને કારણે તેમના મનમાં અનેક સવાલો છે.’
ઉલ્લેખનીય છે કે આંદોલન દરમ્યાન બપોરના સમયે ગરમીને કારણે અભિજિતની તબિયત લથડી હતી.
૬ લોકોની અટકાયત
કનૉટ પ્લેસ તરફ આગળ વધતી વખતે પોલીસ દ્વારા ૬ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ આંદોલનના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે તનાવ થવાની સંભાવના વિશેનાં ઇનપુટ્સ મળ્યા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સાવચેતીના ભાગરૂપે આ અટકાયત કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ
અભિજિત દીપકેએ સાંજે ચાલતી પકડતાં અને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ગિન્નાયા હતા. તેમણે દાવો કર્યો હતો કે અમે સેંકડો કિલોમીટર દૂરથી આવ્યા, પરંતુ ન તો આંદોલનથી કંઈ પ્રાપ્ત થયું, ન તો સરકારે કોઈ પ્રતિક્રિયા આપી.