પાણી ઓસર્યા બાદ સામે આવી ચિત્રકૂટમાં મંદાકિની નદીના પૂરે સર્જેલી તબાહી

01 September, 2026 08:58 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

૧૬ ગામ ડૂબ્યાં: ઘરો અને દુકાનોમાં પાંચ ફુટનો કાદવ: રામઘાટનો પુલ તૂટ્યો, તુલસીદાસજીની મૂર્તિ પણ ક્ષતિગ્રસ્ત

ચિત્રકૂટમાં મંદાકિની નદીના પૂરથી તૂટી પડેલી પાણીની પાઇપલાઇન.

મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરહદ પર આવેલા ચિત્રકૂટમાં મંદાકિની નદીમાં પૂરનાં પાણી ઓસર્યા બાદ વિનાશનું દૃશ્ય સામે આવી રહ્યું છે. પૂરથી ૧૬ ગામો પ્રભાવિત થયા છે અને ૭૦૦થી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાંચ-પાંચ ફુટ સુધી કાદવ અને કીચડ થઈ ગયાં છે. રસ્તા પર ઠેર-ઠેર કચરો દેખાય છે. ઘણા પરિવારોનાં રેફ્રિજરેટર, કૂલર અને અન્ય ઘરવખરીનો સામાન કાદવ અને કાટમાળથી ઢંકાયેલો છે. પડી ગયેલા વીજળીના થાંભલા બધે દેખાય છે. સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે પૂરે એક મોટો પડકાર ઊભો કર્યો છે.

તુલસીદાસજીની પ્રતિમાને નુકસાન 
પૂરના જોરદાર પ્રવાહને કારણે ચિત્રકૂટના રામઘાટ વિસ્તારમાં પણ વ્યાપક નુકસાન થયું છે. રામઘાટ પરનો પુલ તૂટીને મંદાકિની નદીમાં પડી ગયો છે. તુલસીદાસજીની પ્રતિમા પણ પૂરના પાણીના કારણે ક્ષતિગ્રસ્ત થઈ છે. મૂર્તિના ખભા ઉપરનો ભાગ પૂરના પાણીમાં વહી ગયો છે. જેમ-જેમ પૂરનું પાણી ઓછું થતું ગયું તેમ-તેમ આ વિસ્તારમાં થયેલા નુકસાનની તસવીરો સામે આવી રહી છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને વ્યવસાયોમાં ચિંતા વધી રહી છે. આ વિસ્તારની દુકાનોની હાલત પણ ખરાબ છે, દુકાનોમાં કાદવ ભરાઈ ગયો છે.

૪ કલાક પીપળાના ઝાડ પર બેસી રહ્યા
ગોબારિયા ગામમાં ૧૨ લોકો લગભગ ૪ કલાક સુધી પીપળાના ઝાડ પર બેઠા હતા. પાણી ભરાઈ જવાને કારણે તેઓ નીચે ઊતરી શક્યા નહોતા. બચાવટીમોએ ઘટનાસ્થળે પહોંચીને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બચાવ-કામગીરીમાં બે હેલિકૉપ્ટરની મદદ લેવામાં આવી હતી.

બરગી ડેમના પાણીથી તારાજી
ચિત્રકૂટમાં સતત વરસાદ અને મધ્ય પ્રદેશના બરગી ડેમમાંથી પાણી છોડવાને કારણે મંદાકિની નદીનું પાણીનું સ્તર ઝડપથી વધ્યું હતું અને નદીમાં આશરે ૩૦ ફુટનો વધારો થયો હતો. ઘણા વિસ્તારોમાં પૂરનાં પાણી ઘરોના પહેલા માળ સુધી પહોંચી ગયા હતા એટલે લોકો પોતાનો જીવ બચાવવા માટે છત પર ભાગી ગયા હતા. પાણી ઓછું થતાં લોકો પોતાનાં ઘરોમાં પાછા ફરી રહ્યા છે, પરંતુ કાદવ અને કાટમાળથી તેમની સમસ્યાઓ વધી ગઈ છે.

યમુનાકિનારે પણ ખતરો 
મંદાકિની નદીનું જળસ્તર વધવાથી યમુના નદીના કિનારાના વિસ્તારોમાં પણ ખતરો વધી ગયો છે. પ્રશાસને નદીકિનારે આવેલાં ગામોમાં દેખરેખ વધારી દીધી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી વધવાની સંભાવનાને જોતાં લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

national news india madhya pradesh Weather Update