23 April, 2025 11:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સંસદસભ્ય બાંસુરી સ્વરાજ
ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સંસદસભ્ય બાંસુરી સ્વરાજ ગઈ કાલે ‘વન નેશન, વન ઇલેક્શન’ની જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (JPC)ની બેઠકમાં ‘નૅશનલ હેરલ્ડ કી લૂટ’ એવું લખાણ ધરાવતી બૅગ લઈને પહોંચ્યાં હતાં. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘પહેલી વાર દેશમાં લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયામાં ભ્રષ્ટાચાર થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ કૉન્ગ્રેસ પાર્ટીની જૂની કાર્યશૈલી અને વિચારધારાને ઉજાગર કરે છે. સેવાની આડમાં તેઓ સાર્વજનિક સંસ્થાનોને પોતાની વ્યક્તિગત સંપત્તિ વધારવાનું સાધન બનાવે છે. આ ખૂબ ગંભીર મામલો છે. ૨૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ માત્ર ૫૦ લાખ રૂપિયામાં હડપી લેવામાં આવી છે. યંગ ઇન્ડિયા એવી કંપની છે જેની ૭૬ ટકા ઓનરશિપ ગાંધી પરિવારની છે. કૉન્ગ્રેસ પાર્ટી અને એનું ટોચનું નેતૃત્વ એના માટે જવાબદાર છે અને ૨૫ એપ્રિલે કોર્ટ સમક્ષ એનો જવાબ આપે.’
શરૂઆત પ્રિયંકાએ કરેલી
બૅગ દ્વારા વિચારધારા વ્યક્ત કરવાની પરંપરા કૉન્ગ્રેસનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધીએ શરૂ કરી હતી. સંસદના શિયાળુ અધિવેશન વખતે પ્રિયંકા ગાંધી પૅલેસ્ટીનના લોકો પ્રતિ સમર્થન અને એકતા દર્શાવવા માટે એક એવી બૅગ લઈને સંસદભવન પહોંચ્યાં હતાં જેના પર પૅલેસ્ટીન લખ્યું હતું. બીજા દિવસે તેઓ એવી બૅગ લઈને પહોંચ્યાં હતાં જેના પર બંગલાદેશના હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઊભા રહો એમ લખેલું હતું.