03 June, 2024 08:54 AM IST | Sikkim | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અરુણાચા પ્રદેશમાં BJPની જીત બાત એના કાર્યકરાે ઇટાનગરમાં આવેલી પાર્ટીની ઑફિસની બહાર બિહુ ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.
અરુણાચલ પ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ને ૬૦માંથી ૪૬ બેઠકો પર વિજય મળ્યો હતો અને એણે ફરી સત્તા મેળવી હતી. બીજી તરફ સિક્કિમમાં સિક્કિમ ક્રાન્તિકારી મોરચા (SKM)એ વિધાનસભાની ૩૨માંથી ૩૧ બેઠકો પર વિજય મેળવ્યો હતો અને એકતરફી જીત મેળવી હતી. એક બેઠક સિક્કિમ ડેમોક્રૅટિક ફ્રન્ટ (SDF)ને મળી હતી. આમ બેઉ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષોએ ફરી સત્તા મેળવી હતી. સિક્કિમમાં ૭૯ ટકા અને અરુણાચલ પ્રદેશમાં ૮૨.૭ ટકા મતદાન નોંધાયું હતું. કાલે સિક્કિમની એક અને અરુણાચલ પ્રદેશની બે લોકસભા બેઠકો પર મતગણતરી થવાની છે.
અરુણાચલ પ્રદેશમાં ૬૦માંથી ૧૦ બેઠકો પર BJPના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બિનહરીફ ચૂંટાયેલા નેતાઓમાં મુખ્ય પ્રધાન પેમા ખાંડુ અને નાયબ મુખ્ય પ્રધાન ચોવના મેનનો સમાવેશ છે. ૫૦ બેઠકોની ચૂંટણીમાંથી BJPને ૪૬ બેઠકો પર વિજય મળ્યો હતો. એની સહયોગી કોનરાડ સંગમાની નૅશનલ પીપલ્સ પાર્ટીને પાંચ બેઠકો પર વિજય
મળ્યો હતો.
વડા પ્રધાને શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં મળેલી જીત બાદ કહ્યું હતું કે ‘આભાર અરુણાચલ પ્રદેશ, આ અદ્ભુત રાજ્યના લોકોએ વિકાસની રાજનીતિને સ્પષ્ટ જનાદેશ
આપ્યો છે. BJPમાં ફરી વિશ્વાસ વ્યક્ત કરવા માટે હું તેમનો આભાર માનું છું. અમારી પાર્ટી રાજ્યના વિકાસ માટે વધુ જોરશોરથી વિકાસનાં કામ કરવાનું ચાલુ રાખશે.’
બાઇચુન્ગ ભૂટિયાની ૧૦ વર્ષમાં છઠ્ઠી હાર, ૪૩૪૬ મતથી પરાજય
ઇન્ડિયન ફુટબૉલ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન બાઇચુન્ગ ભૂટિયાનો ફરી એક વાર પરાજય થયો છે. તેને સિક્કિમની બારફંગ બેઠક પર SKMના રિશ્કલ દોરજી ભૂટિયાએ ૪૩૪૬ મતે હરાવી દીધો હતો. ભૂટિયાએ ૨૦૧૮માં હમારો સિક્કિમ પાર્ટી બનાવી હતી, પણ ગયા વર્ષે એ SDFમાં મર્જ થઈ હતી. હાલમાં તે SDFનો વાઇસ પ્રેસિડન્ટ છે. ભૂટિયાએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસની ટિકિટ પર બે વાર ચૂંટણી લડી હતી અને તેનો પરાજય થયો હતો. ૨૦૧૪માં દાર્જીલિંગ બેઠક પર લોકસભાની અને ૨૦૧૬માં સીલિગુડી બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં તેનો પરાજય થયો હતો. પછી તેણે સિક્કિમમાં રાજકીય પાર્ટી બનાવી હતી. ૨૦૧૯માં તેણે ગંગટોક અને તુમેન લિંગી એમ બે બેઠકો પર ચૂંટણી લડી હતી અને બેઉ પર પરાજય થયો હતો. ૨૦૧૯માં ગંગટોક વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ તેનો પરાજય થયો હતો.