✕

બિસલેરીની સ્પષ્ટતા : અમારું પાણી પીવા માટે સેફ, થર્ડ પાર્ટી લૅબ-ટેસ્ટમાં બધું જ બરાબર

24 November, 2026 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે રવિવારે કાર્યવાહીની મંજૂરી અપાયા બાદ FSSAI દ્વારા એમનો સંપર્ક કરવામાં ન આવ્યો હોવાનું પણ ‌બિસલેરીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

બિસલેરીની સ્પષ્ટતા

ટોચની પૅકેજ્ડ ડ્રિન્કિંગ વૉટરની બ્રૅન્ડ બિસલેરી ઇન્ટરનૅશનલ વિરુદ્ધ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑફ ઇન્ડિયા(FSSAI) દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવા અહેવાલો બાદ ગઈ કાલે આ મામલે નવો વળાંક આવ્યો હતો. બિસલેરી ઇન્ટરનૅશનલ દ્વારા થર્ડ પાર્ટી લૅબોરેટરી-ટેસ્ટ બાદ બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર એમની બૉટલનું પાણી પીવા માટે સેફ છે.

ઉલ્લેખનીય છે કે ફૂડ-સેફ્ટીના નિયમોમાં અપાયેલી મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં કૅન્સરજન્ય તત્ત્વ બ્રોમેટ બિસલેરીની બૉટલના પાણીમાં જણાયા બાદ FSSAIએ બિસલેરી ઇન્ટરનૅશનલ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી હોવાના અહેવાલ રવિવારે હતા. જોકે ગઈ કાલે બિસલેરીએ જણાવ્યું હતું કે તેમણે કરાવેલી લૅબ-ટેસ્ટમાં પાણીમાં બ્રોમેટનું પ્રમાણ મર્યાદામાં હોવાનું જણાયું છે.

આ મામલો ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં બિસલેરીના ગોવા મૅન્યુફૅક્ચરિંગ યુનિટના એક બૅચની પ્રોડક્ટ સાથે જોડાયેલો છે જેમાં બ્રોમેટનું સ્તર વધારે જોવા મળ્યું હતું. પરીક્ષણમાં પાંચ નમૂનાઓમાં બ્રોમેટનું સ્તર યોગ્ય હતું પણ છઠ્ઠા નમૂનામાં ૧૦ માઇક્રોગ્રામ પ્રતિ લીટરની નિર્ધારિત મર્યાદા સામે ૧૨ માઇક્રોગ્રામ પ્રતિ લીટર સ્તર નોંધાયું હતું. ત્યાર બાદ બાવીસ નવેમ્બરે FSSAIએ નમૂનાને ફરીથી પરીક્ષણ માટે રેફરલ લૅબોરેટરીમાં મોકલ્યો હતો જેમાં બ્રોમેટનું સ્તર યોગ્ય માત્રામાં હતું, પરંતુ પૉલિન્યુક્લિયર ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs)ની હાજરી જોવા મળતાં સ્પષ્ટતા માટે થર્ડ પાર્ટી-ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ ક્લિયર અને સેફ હોવાનું બિસલેરીએ જણાવ્યું હતું.

જોકે રવિવારે કાર્યવાહીની મંજૂરી અપાયા બાદ FSSAI દ્વારા એમનો સંપર્ક કરવામાં ન આવ્યો હોવાનું પણ ‌બિસલેરીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

food safety and standards authority of india fssai news national news food and drink healthy living INDIA