24 April, 2025 10:41 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ભારત ભૂષણ નામનો સૉફ્ટવેર એન્જિનિયર તેની પત્ની સુજાતા અને ત્રણ વર્ષના દીકરા સાથે કાશ્મીર ફરવા ગયો હતો
બૅન્ગલોરનો ભારત ભૂષણ નામનો સૉફ્ટવેર એન્જિનિયર તેની પત્ની સુજાતા અને ત્રણ વર્ષના દીકરા સાથે કાશ્મીર ફરવા ગયો હતો. આતંકવાદીઓએ ત્રણ વર્ષના દીકરાની સામે જ તેની હત્યા કરી નાખી હતી અને કહ્યું હતું કે મોદીને કૉલ કરો અને કહો કે તમને બચાવી લે.
ભારતની પત્ની સુજાતાએ મંગળવારે બપોરે પોણાત્રણ વાગ્યે મમ્મી વિમલાબહેનને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. વિમલાબહેને મીડિયાને કહ્યું હતું કે ‘એ બપોરે સુજાતાએ રડતાં-રડતાં ફોન કરીને આ ઘટનાની અમને જાણ કરી હતી. તેનાં લગ્નને પાંચ વર્ષ થયાં છે અને ત્રણ વર્ષના દીકરા સાથે બન્ને કાશ્મીર ફરવા ગયાં હતાં. તેણે કહ્યું હતું કે પહેલાં એ લોકોએ તેમની પાસે આધાર કાર્ડ જોવા માગ્યું હતું. અમારી ઓળખ કન્ફર્મ થઈ એટલે પૂછ્યું કે તમે મુસ્લિમ તો નથીને? જે લોકો હા પાડતા હતા તેમને એ લોકો છોડી દેતા હતા. તેમણે એમ પણ કહ્યું કે બચવું હોય તો મોદીને કૉલ કરો અને કહો કે તમને બચાવી લે. દીકરો ભારતના હાથમાં હતો એટલે તેમણે તેને નીચે મૂકવાનું કહ્યું. એ પછી તેમણે કન્ટિન્યુ ત્યાં સુધી ગોળીઓ મારી જ્યાં સુધી ભારતનો જીવ નીકળી ન ગયો. મારી દીકરીએ એ પણ કહ્યું કે એ લોકો માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા.’
સુજાતા અને તેનો ત્રણ વર્ષનો દીકરો બચી ગયાં છે, પરંતુ સુજાતા આ કારમા આઘાતને જીરવી શકે એવી સ્થિતિમાં નથી.