રામ મંદિરે પાંચ વર્ષમાં ૩૯૬ કરોડ રૂપિયાનો ટૅક્સ ભર્યો

18 March, 2025 07:39 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

રામ મંદિરમાં મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ બાદ કોઈ મુખ્ય પૂજારી નહીં હોય.

અયોધ્યામાં રામ મંદિરના બાકીના હિસ્સાના નિર્માણકાર્યની ગઈ કાલની તસવીર.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયે રવિવારે જણાવ્યું હતું કે ૨૦૨૦થી ૨૦૨૪ સુધીનાં પાંચ વર્ષમાં ટ્રસ્ટે ૨૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને વિવિધ ટૅક્સરૂપે ૩૯૬ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ રકમ ૨૦૨૦ની ૫ ફેબ્રુઆરીથી ૨૦૨૫ની ૫ ફેબ્રુઆરી સુધીમાં ચૂકવવામાં આવી છે. મંદિર બનાવવા માટે લોકો પાસેથી આવેલા દાનમાંથી જ ખર્ચ થયો છે. મંદિર બાંધવા માટે સરકાર તરફથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી.

વિવિધ ટૅક્સની જાણકારી

મંદિર ટ્રસ્ટે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) તરીકે ૨૭૨ કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને બાકીના ટૅક્સરૂપે ૧૭૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (TDS) તરીકે ૩૯ કરોડ રૂપિયા, લેબર સેસ તરીકે ૧૪ કરોડ, જન્મભૂમિના નકશા માટે અયોધ્યા વિકાસ પ્રાધિકરણને પાંચ કરોડ, અયોધ્યામાં જમીન ખરીદવા માટે સ્ટૅમ્પ ડ્યુટી તરીકે ૨૯ કરોડ, વીમા પૉલિસી માટે ૪ કરોડ અને વીજળીના બિલ તરીકે ૧૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. રામ મંદિર માટે જ્યાંથી પથ્થર ખરીદવામાં આવ્યા છે એવા રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સરકારને રૉયલ્ટીરૂપે ૧૪.૯ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. લાર્સન ઍન્ડ ટુબ્રો કંપનીને બાંધકામ માટે ૧૨૦૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

રામ મંદિરમાં મુખ્ય પૂજારી નહીં હોય
રામ મંદિરમાં મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ બાદ કોઈ મુખ્ય પૂજારી નહીં હોય.

જૂનમાં મંદિર તૈયાર થશે
રામ મંદિરનું બાંધકામ ૯૬ ટકા પૂરું થયું છે અને જૂન સુધીમાં ૧૦૦ ટકા કામ પૂરું થઈ જશે. 

સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી થઈ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ ધાર્મિક ટૂરિઝમમાં ઉછાળો આવ્યો છે અને અહીં આવતા ભાવિકોની સંખ્યામાં દસગણો વધારો થયો છે. સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે. મહાકુંભ વખતે ૧.૨૬ કરોડ ભાવિકો અયોધ્યા આવ્યા હતા.

national news india ayodhya ram mandir property tax