04 December, 2023 08:55 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
વસુંધરા રાજે
રાજસ્થાનમાં બીજેપી સીએમના ઉમેદવાર વિના વિધાનસભાની ચૂંટણી લડી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે વખતે સીએમ પદે રહેનારાં વસુંધરા રાજેની સાથે આ રાજ્યમાં પ્રચાર કર્યો હતો. રાજ્યના સીએમ પદ માટે વસુંધરા ટોચનાં દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાં છેલ્લા બે દશકથી રાજે જ બીજેપીનો ચહેરો છે.
રાજે રાજસ્થાનનાં પ્રથમ મહિલા સીએમ હતાં. તેમને સક્ષમ ઍડ્મિનિસ્ટ્રેટર ગણવામાં આવી રહ્યાં છે.
કોડાઇકૅનલ અને મુંબઈમાં ભણેલાં રાજેએ તેમની પૉલિટિકલ કરીઅરની શરૂઆત ૧૯૮૪માં કરી હતી. રાજેનાં મધર વિજયા રાજે સિંધિયા બીજેપીના ફાઉન્ડર્સમાં સામેલ હતાં. વસુંધરા ૧૯૮૯માં ઝાલવરમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. બાદમાં ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સરકારમાં પ્રધાન પણ રહ્યાં હતાં.
રાજે ૨૦૦૩માં રાજ્યના રાજકારણમાં પાછાં ફર્યાં હતાં.
કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત બીજેપીનો રાજપૂત ચહેરો છે. તેઓ પણ સીએમ પોસ્ટ માટે દાવેદાર છે. તેઓ જોધપુરની બેઠક પર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોટના દીકરા વૈભવને હરાવીને લાઇમલાઇટમાં આવ્યા હતા. શેખાવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નિકટના છે. ક્રેડિટ કોઑપરેટિવ કૌભાંડમાં સામેલ હોવાનો શેખાવત પર આરોપ મૂકવામાં આવ્યો હતો.
કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ બ્યુરોક્રેટ અર્જુન રામ મેઘવાલ પણ મુખ્ય પ્રધાન પદ માટેના દાવેદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મોદીના નિકટના મનાતા મેઘવાલ ત્રણ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે અને રાજસ્થાનમાં બીજેપીના દલિત ચહેરાઓમાં તેમનો સમાવેશ થાય છે. મેઘવાલ લોપ્રોફાઇલ રહે છે અને તેઓ સારા ઍડ્મિનિસ્ટ્રેટર છે.
અલવરથી બીજેપીના લોકસભાના મેમ્બર બાબા બાલકનાથ કદાચ આ દાવેદારો વચ્ચે ડાર્ક હૉર્સ પુરવાર થઈ શકે છે. બાલકનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની નિકટના હોવાનું મનાય છે.
ઉપરાંત બીજેપીનાં લીડર અને રાજસમંદનાં એમપી દિયા કુમારીને પણ સીએમ પદ ઑફર થઈ શકે છે. એ ઉપરાંત સરપ્રાઇઝ પૅકેજમાં બીજેપી કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવને પણ મુખ્ય પ્રધાન બનાવી શકે છે.