Arun Kumar Sharma No More: રામમંદિરના પુરાવા શોધનાર આર્કિયોલોજિસ્ટ પંચમહાભૂતોમાં વિલીન

01 March, 2024 12:16 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Arun Kumar Sharma No More: પુરાતત્વવિદ્ અરુણ કુમાર શર્માએ અયોધ્યામાં હિન્દુ મંદિરના અસ્તિત્વના સમર્થનમાં પુરાતત્વીય પુરાવા એકત્રિત કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

પદ્મશ્રી વિજેતા અરુણ કુમાર શર્મા (તસવીર સૌજન્ય: એક્સ)

છત્તીસગઢના જાણીતા પુરાતત્વવિદ્ અને પદ્મશ્રી પુરસ્કારના વિજેતા અરુણ કુમાર શર્માનું નિધન (Arun Kumar Sharma No More) થયું છે. અરુણ કુમાર શર્મા પોતે છત્તીસગઢ સરકારના પુરાતત્વીય સલાહકાર પણ રહી ચૂક્યા હતા. હવે તેઓની ૯૧ વર્ષની વયે નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાયપુર સ્થિત તેમના નિવાસસ્થાને તેઓને અંતિમ શ્વાસ લીધા હતા. 

કોણ હતા અર્જુન કુમાર શર્મા?

છત્તીસગઢના પ્રસિદ્ધ પુરાતત્વવિદ્ અરુણ કુમાર શર્મા (Arun Kumar Sharma No More)એ અયોધ્યાના વિવાદિત સ્થળ પર હિન્દુ મંદિરના અસ્તિત્વના સમર્થનમાં પુરાતત્વીય પુરાવા એકત્રિત કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓની માંગ પર જ અયોધ્યાના રામના જન્મસ્થળ અયોધ્યા ધામમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે અરુણ કુમાર શર્માએ જ અયોધ્યા મંદીરના ખોદકામ દરમિયાન મળેલા અવશેષો પર સંશોધનના આધારે મંદિરના અસ્તિત્વ વિશે કોર્ટમાં જુબાની આપી હતી.

આમ તો અરુણ કુમાર શર્માએ પુરાતત્વ વિષય પર 35થી પણ વધારે પુસ્તકોની રચના કરી છે પણ ખાસ કરીને અરુણ શર્માએ અયોધ્યા રામજન્મભૂમિ સ્થળ પર ખોદકામ દરમિયાન મળેલા પુરાવાના આધારે `આર્કિયોલોજિકલ એવિડન્સ ઇન અયોધ્યા કેસ` નામનું અંગ્રેજીમાં પુસ્તક પણ લખ્યું હતું. 

મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ પણ અરુણ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે

અરુણ કુમાર શર્માના નિધન પર (Arun Kumar Sharma No More) શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ જણાવ્યું હતું કે, "ડૉ. અરુણ કુમાર શર્મા છત્તીસગઢની ધરતીના પાનોતા પુત્ર છે, જેમણે માત્ર છત્તીસગઢમાં જ નહીં પરંતુ દેશના વિવિધ સ્થળોએ પુરાતત્વીય સર્વેક્ષણ અને ઉત્ખનનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છત્તીસગઢના સિરપુર અને રાજિમમાં પણ ખોદકામ કરાવવામાં તેમનો મોટો ફાળો છે. પુરાતત્વના ક્ષેત્રમાં ડૉ. અરુણ શર્માજીનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.”

બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ અયોધ્યા કેસની અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે અરુણ કુમાર શર્મા (Arun Kumar Sharma No More) આ કેસના મુખ્ય સાક્ષી રહ્યા હતા. તેઓએ કોર્ટમાં પુરાવા તરીકે સાબિત કર્યું હતું કે ત્યાં ભગવાન રામનું મંદિર હતું અને મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.

તેમના કામ માટે તેઓને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો 

આ સાથે જ વર્ષ 2016માં બસ્તર ક્ષેત્રના દંતેવાડા જિલ્લામાં ઢોલકલ પર્વત પર ભગવાન ગણેશની મૂર્તિ તોડ્યાના એક સપ્તાહની અંદર અરુણ કુમાર શર્માએ તેમની ટીમ સાથે મળીને મૂર્તિને ફરીથી સ્થાપિત કરી હતી. અરુણ કુમાર શર્મા (Arun Kumar Sharma No More)ને 2004માં રાજ્ય સરકારના પુરાતત્વીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ 2017-18 સુધી સક્રિય રહ્યા હતા. છત્તીસગઢમાં તેમની સેવા દરમિયાન અરુણ કુમાર શર્મા સિરપુર, તારીઘાટ, સિરકટ્ટી, અરંગ, તાલા, મલ્હાર જેવી ઘણી જગ્યાઓ પર ખોદકામમાં સામેલ હતા. તેમને 2017માં પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

chhattisgarh ayodhya ram mandir padma shri celebrity death national news india