14 December, 2025 09:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અનમોલ બિશ્નોઈ
કુખ્યાત ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મોસ્ટ વૉન્ટેડ યાદીમાં સામેલ ગૅન્ગસ્ટર અનમોલ બિશ્નોઈને ભારત લાવવામાં આવ્યા બાદ હવે તેને તિહાડ જેલમાં રાખવામાં આવશે અને આગામી એક વર્ષ સુધી તેની ફિઝિકલ કસ્ટડી કોઈને મળી શકશે નહીં. આ સંદર્ભમાં ગૃહમંત્રાલયે જાહેર કરેલા એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં જણાવ્યું છે કે ક્રિમિનલ પ્રોસીજર કોડ (CrPC)ની કલમ ૩૦૩ હેઠળ કોઈ પણ રાજ્યની પોલીસ કે એજન્સી એક વર્ષ માટે અનમોલ બિશ્નોઈની શારીરિક કસ્ટડી લઈ શકશે નહીં.
આ મહત્ત્વપૂર્ણ નિર્ણય પછી આગામી એક વર્ષ માટે અનમોલ બિશ્નોઈનું નવું સ્થળ એશિયાની સૌથી સુરક્ષિત તિહાડ જેલ હશે. હવે કોઈ રાજ્યની પોલીસ કે એજન્સી અનમોલ બિશ્નોઈની પૂછપરછ કરવા માગે છે તો તેમણે તિહાડ જેલમાં આવવું પડશે.
ગૃહમંત્રાલયે સુરક્ષાનાં કારણોસર અનમોલ બિશ્નોઈ અંગે આ આદેશ જાહેર કર્યો છે. અનમોલ બિશ્નોઈ દેશના કુખ્યાત ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ છે અને તેને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે.
અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા અનમોલને દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર NIAની ટીમ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બાબા સિદ્દીકી હત્યાકેસ, સિધુ મૂસેવાલા હત્યાકેસ અને સલમાન ખાનના ઘરે ગોળીબાર જેવા અનેક હાઈ-પ્રોફાઇલ કેસોમાં અનમોલ બિશ્નોઈ આરોપી છે. અનમોલ બિશ્નોઈ સામે ૧૮થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં હથિયારોની સપ્લાય અને લૉજિસ્ટિકલ સપોર્ટનો સમાવેશ થાય છે.