✕

આંધ્ર પ્રદેશમાં મુરાસુએ હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા જમીનદોસ્ત કર્યાં

04 November, 2026 10:31 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

વાવાઝોડાએ ઓડિશા અને તેલંગણને પણ ધમરોળ્યું: બે જણે જીવ ગુમાવ્યા, ૩૦થી વધારે ફ્લાઇટ્સ કૅન્સલ

આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લામાં બાપટલા-મુટ્ટયા પાલેમ રોડ પર ધરાશાયી થયેલું વૃક્ષ.

આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ગઈ કાલે વહેલી સવારે ત્રાટકેલા વાવાઝોડા મુરાસુએ હજારો વૃક્ષો અને વીજળીના થાંભલાઓને જમીનદોસ્ત કર્યા બાદ ઓડિશા અને તેલંગણને પણ ધમરોળ્યું હતું. ઓડિશામાં ૧.૬૦ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ વાવાઝોડાના કારણે થયેલા રોડ-ઍક્સિડન્ટના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ઓંગોલ નજીક લૅન્ડફૉલ વખતે ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઘણી બોટોને પણ નુકસાન થયું હતું. વાવાઝોડું જેમ-જેમ આગળ વધ્યું એની સાથે રાહતની વાત એ રહી કે એની તીવ્રતા ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને ૫૦ કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી. ભારે વરસાદ વચ્ચે પણ રાહત અને બચાવકાર્ય જારી છે.

આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાનાં શહેરોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા અને હાઇવે પર વાહનો ફસાઈ ગયાં હતાં. ગઈ કાલે વિજયવાડા, વિશાખાપટનમ, તિરુપતિ અને ચેન્નઈ ઍરપોર્ટથી ૩૦ સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના શહેર કાકીનાડામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશના ઓંગોલના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પ્રકાશમ જિલ્લામાં ભારે નુકસાન થયું છે. નીચલા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અનેક વાહનો રસ્તામાં પલટી ખાધેલાં જોવા મળ્યાં હતાં. એકથી દોઢ મીટર ઊંચાં વાવાઝોડાનાં મોજાંને કારણે બાપટલા, કૃષ્ણા અને પ્રકાશમ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યાં હતાં.

બપોર પછી જોર ઓછું થયું: બપોર બાદ વાવાઝોડાનું જોર ઓછું થયું હતું. જોકે ઓડિશામાં આગામી ૪૮ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

તામિલનાડુમાં ભારે વરસાદ; કુડ્ડાલોરમાં સ્કૂલો બંધ

તામિલનાડુના કુડ્ડાલોર શહેરમાં ગઈ કાલે સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. ચક્રવાત મુરાસુને કારણે રાજ્યમાં ભારે વરસાદ થયો છે. વાવાઝોડા, વીજળી અને અવિરત વરસાદને કારણે જિલ્લાના ઘણા ભાગોમાં જનજીવન ખોરવાઈ ગયું છે.

national news india cyclone andhra pradesh telangana Weather Update indian meteorological department tamil nadu