ઍરલાઇનો દાદાગીરી પર ઊતરી આવી

22 March, 2026 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૦ ટકા ફ્રી સીટ સિલેક્શનનો આદેશ પાછો ખેંચવાની માગણી કરી, નહીં તો ભાડાંમાં વધારો કરવાની ચીમકી

પ્રતીકાત્મક તસવીર

પ્લેનની ૬૦ ટકા સીટનું સિલેક્શન ફ્રી રાખવાના સરકારના આદેશનો દેશની વિવિધ ઍરલાઇન્સે વિરોધ કર્યો છે અને એને પાછો ખેંચવાની માગણી કરી છે. જો આ નિયમ પાછો ખેંચવામાં નહીં આવે તો ઍરલાઇનોએ ભાડાંમાં વધારો કરવાની ચેતવણી આપી છે. સામાન્ય રીતે ઍરલાઇન્સ આગળની હરોળ અને વધારાની પગની જગ્યા સહિતનાં વિવિધ પરિબળોના આધારે સીટ પસંદ કરવા માટે ૨૦૦થી ૨૧૦૦ રૂપિયા ચાર્જ કરે છે.

આ સંદર્ભમાં ૩ ઍરલાઇન્સ ઍર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍરલાઇન્સ (FIA)એ સરકારને જણાવ્યું છે કે ‘આ પગલાથી ઉડ્ડયન ક્ષેત્ર માટે અણધાર્યાં અને પ્રતિકૂળ પરિણામો આવશે. ઍરલાઇન્સને નુકસાન થશે અને જે આવકનો ઘટાડો થશે એ ભાડાંમાં વધારા દ્વારા વસૂલ કરવાની ફરજ પડશે.’ નાગરિક ઉડ્ડયન સચિવ સમીરકુમાર સિંહાને લખેલા પત્રમાં FIAએ જણાવ્યું હતું કે આ નિર્દેશનાં ઉડ્ડયન ક્ષેત્ર માટે અણધાર્યાં અને પ્રતિકૂળ પરિણામો આવશે. ઍરલાઇનોએ કોર્ટના એ ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) પાસે અનબંડલ્ડ સેવાઓ માટે ચાર્જ નક્કી કરવાનો અથવા મર્યાદિત કરવાનો અધિકાર નથી. ફેડરેશને વધુમાં જણાવ્યું હતું કે ૧૮ માર્ચે નિર્દેશ જાહેર કરતાં પહેલાં ઍરલાઇન્સની સલાહ લેવામાં આવી નહોતી.

national news indian indian government indigo air india