28 March, 2019 03:36 PM IST | નવી દિલ્હી
ક્યારે કોંગ્રેસમાં જોડાશે સિન્હા?
દિગ્ગજ અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હા આજે કોંગ્રેસમાં સામેલ થવાના હતા. તેમના તરફથી આધિકારીક જાહેરાત પણ થઈ ગઈ હતી. પણ અત્યારે આ વાત ટળી ગઈ છે. હવે સિન્હા 6 એપ્રિલે કોંગ્રેસમાં જોડાશે. આજનો કાર્યક્રમ રદ્દ થયા બાદ સિન્હાએ રાહુલ ગાંધી સાથે મુલાાકાત કરી હતી. અને તે બાદ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું છે.
શત્રુઘ્ન સિન્હાને કોંગ્રેસ જોઈન કરવામાં સંશય હોવાની પાછળ કારણ એક માનવામાં આવી રહ્યું છે કે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બિહાર કોંગ્રેસના નેતાઓની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. જેમાં બિહારમાં કોંગ્રેસને મળેલી નવ બેઠકો માટે ઉમેદવારોના નામને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ બિહારમાં હાલ ઉમેદવારોને લઈને કોઈ સમજૂતી કરવાના મૂડમાં નથી. તે રાજદ સામે નતમસ્તક નથી થવા માંગતુ, જેના કારણે આજે દિલ્હીમાં થનારી પ્રેસ કૉંન્ફ્રેસ પણ રદ્દ કરી દેવામાં આવી છે.
પહેલા અહેવાલો હતા કે બિહારી બાબૂ સિન્હા ગુરુવારે કોંગ્રેસમાં સામેલ થશે. સિન્હા આજે બપોરે એક વાગ્યે દિલ્હી સ્થિત કોંગ્રેસના કાર્યાલયમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં પક્ષની સભ્યતા લેવાના હતા. માનવામાં આવી રહ્યું હતું કે પટના સાહેબથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સામે સિન્હા મેદાનમાં ઉતરશે. પરંતુ હાલ આ મામલે કોઈ કાંઈ જ રહી શકે તેમ નથી.
હાલમાં જ શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માસ્ટર ઑફ સિચ્યુએશન ગણાવ્યા હતા. તેમણે રાહુલની મિનિમમ ઈનકમ ગેરંટીની સ્કીમના વખાણ કરતા કહ્યું હતું કે તેની ઘોષણા કરવી એ પણ માસ્ટર ઑફ સિચ્યુએશન રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક છે.
પટના સાહેબ બેઠકને લઈને પહેલા પણ સિન્હાએ કહ્યું હતું કે સિચ્યુએશન જે પણ રહેશે લોકેશન તો એ જ રહેશે.
આ પહેલા સોમવારે કોંગ્રેસના નેતા અખિલેશ સિંહે પણ સાફ કર્યું હતું કે શત્રુઘ્ન સિન્હા 28 માર્ચે કોંગ્રેસમાં સામેલ થશે.