પતિનાં પહેલાં લગ્નની જો જાણ ન હોય તો બીજી પત્ની બનનારી મહિલાને ગુનેગાર ગણી શકાય નહીં

21 September, 2026 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મદ્રાસ હાઈ કોર્ટે દ્વિપત્નીત્વના એક કેસમાં આરોપી મહિલાને આગોતરા જામીન આપ્યા

પ્રતીકાત્મક તસવીર

મદ્રાસ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં નોંધ્યું હતું કે જો કોઈ અપરિણીત મહિલા કોઈ પુરુષ સાથે લગ્ન કરે અને તેને પુરુષનાં પહેલાં લગ્ન વિશે કોઈ જાણકારી ન હોય તો તે મહિલા સામે દ્વિપત્નીત્વનો કેસ ચલાવી શકાય નહીં. જસ્ટિસ એન. રમેશે એક મહિલાને આગોતરા જામીન આપતાં આ આદેશ આપ્યો હતો.

આ કેસમાં પતિની પ્રથમ પત્નીએ બીજી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ બીજી પત્નીએ ધરપકડથી બચવા કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં. અરજદાર મહિલાએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેને તેના પતિનાં પહેલાં લગ્ન વિશે કોઈ જાણ નહોતી અને તેની સાથે છેતરપિંડી થઈ છે.

ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ મુજબ જે વ્યક્તિ પહેલેથી પરિણીત છે અને હયાત જીવનસાથી હોવા છતાં બીજાં લગ્ન કરે છે તો તે જ મુખ્ય ગુનેગાર છે. જો આ ગુનામાં જૂનાં લગ્નની વાત છુપાવવામાં આવે તો ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ અપરિણીત છે અને અજાણતાં પરિણીત વ્યક્તિ સાથે લગ્ન કરે છે તે ગુનેગાર બનતી નથી. જોકે આ બાબત હજી તપાસનો વિષય છે, પરંતુ હાલ પૂરતા મહિલાને આગોતરા જામીન આપવામાં આવ્યા છે.  

national news india Crime News