12 June, 2024 12:49 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સંસદનું વિશેષ સત્ર ૨૪ જૂને શરૂ થાય એવી શક્યતા છે. પહેલા બે દિવસ ૨૪ અને ૨૫ જૂને નવા ચૂંટાયેલા સંસદસભ્યોની શપથવિધિ થશે અને ૨૬ જૂને ૧૮મી લોકસભાના નવા સ્પીકરની ચૂંટણી થશે. આ સત્ર ૩ જુલાઈ સુધી ચાલશે. આમ આ સત્ર ૮ દિવસનું રહેવાની શક્યતા છે.
૧૭મી લોકસભામાં સ્પીકર ઓમ બિરલા છે અને તેઓ આ પદે ચાલુ રહેશે કે નહીં એની કોઈ જાણ નથી. સ્પીકરની ચૂંટણી ૨૬ જૂને થશે. સરકારના બે મહત્ત્વના સાથી પક્ષો તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ચંદ્રાબાબુ નાયડુ અને જનતા દળ યુનાઇટેડના નીતીશ કુમાર સ્પીકર પદ પર નજર રાખી રહ્યા છે.
નવા લોકસભાના સત્રમાં રાષ્ટ્રપતિ સદનના સૌથી સિનિયર મેમ્બરને પ્રો-ટેમ સ્પીકર નિયુક્ત કરશે જેઓ નવા સંસદસભ્યોને શપથ લેવડાવશે. ત્યાર બાદ સ્પીકરની ચૂંટણી થશે. સ્પીકરના પદ માટે હાલમાં દગુબટ્ટી પુરંદેશ્વરીનું નામ બોલાઈ રહ્યું છે. તેઓ TDPના સ્થાપક એન. ટી. રામારાવનાં દીકરી છે અને આંધ્ર પ્રદેશમાં રાજમુન્દ્રી લોકસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાઈ આવ્યાં છે.
આ સિવાય ત્રણ વારથી સંસદસભ્ય ચૂંટાઈ આવતા કિંજરાપુ રામ મોહન નાયડુનું નામ પણ બોલાઈ રહ્યું છે. ૨૦૧૪માં માત્ર ૨૭ વર્ષની ઉંમરે તેઓ લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કિંજરાપુ યેરાન નાયડુના પુત્ર છે. આ સિવાય લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર જી.એમ.સી. બાલયોગીના પુત્ર અને પ્રથમ વારના સંસદસભ્ય જી. એમ. હરીશ મધુરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.