Bihar Crime News:  સગર્ભા બકરીનું થયું મોત, છ લોકો સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો

22 June, 2023 12:02 PM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

બિહારના ખગડિયા નગરને અડીને આવેલા મથુરાપુર ગામમાં એક સગર્ભા બકરીનું કતલ કરવામાં આવ્યું હતું. સગર્ભા બકરીના મોતના કિસ્સામાં એક-બે નહીં પરંતુ છ લોકોને આરોપી ગણવામાં આવ્યા છે. બકરીને પોસ્ટમોર્ટમ માટે વેટરનરી હોસ્પિટલમાં મોકલવામાં આવી દીધી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બિહાર (Bihar Crime News)  ના ખગડિયામાંથી હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ખગડિયા નગરને અડીને આવેલા મથુરાપુર ગામમાં એક સગર્ભા બકરીનું કતલ કરવામાં આવ્યું હતું. સગર્ભા બકરીના મોતના કિસ્સામાં એક-બે નહીં પરંતુ છ લોકોને આરોપી ગણવામાં આવ્યા છે. બકરીને પોસ્ટમોર્ટમ માટે વેટરનરી હોસ્પિટલમાં મોકલવામાં આવી દીધી છે.

મળતી માહિતી મુજબ મથુરાપુર ગામના વોર્ડ નંબર છમાં કુણાલ પાસવા રહે છે. તેઓએ આ મામલે જણાવ્યું હતું કે તે ખૂબ જ ગરીબ છે. તેઓની પાસે આજીવિકા કમાવવાનું એકમાત્ર સાધન તેમની બકરી જ છે. તેમણે જણાવ્યું કે મંગળવારે સાંજે ભારે વરસાદ પડી રહ્યો હતો. પાડોશના વિનો પાસવાન સહિત ઘણા લોકોએ મારી ગર્ભવતી બકરીને ખાવા માટે કાંઇક ખોરાક આપ્યો હતો.

કુણાલે આ મામલે વધુ ઉમેર્યું હતું કે તે સમયે મેં વિચાર્યું કે આ બકરીને અપાયેલો ખોરાક એ બચેલો ખોરાક હશે. પરંતુ મારી બકરીને ખોરાક આપ્યા પછી જ તેનું મૃત્યુ થયું હતું. તેણે ઉમેર્યું કે, “તેની આજીવિકાનું મુખ્ય સાધન બકરી હતી. જે આરોપીઓએ તેની પાસેથી હવે છીનવી લીધી છે.” આ સંદર્ભે કુણાલ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

પોલીસ સ્ટેશન પ્રમુખ વિનોદ કુમાર સિંહે આ બાબતે વધુ પ્રકાશ પડતાં જણાવ્યું હતું કે, “અરજીના આધારે આરોપીઓ વિરુદ્ધ પશુ અત્યાચાર અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે.”

આ પહેલા વર્ષ અગાઉ પણ બિહારના ભાગલપુરમાં બકરીને મારવાનો કેસ નોંધાયો હતો. તે મામલામાં ત્રણ લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે બકરીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ સાથે પોલીસે આ કેસમાં હત્યા કરનાર  આરોપીની પણ ધરપકડ કરી હતી. બકરી હત્યાનો આ મામલો જિલ્લાના સબૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો હતો.

વાસ્તવમાં બિહારના ભાગલપુર જિલ્લાના બાબા વિશુ રાઉટ મંદિરમાં બકરી ચઢાવવામાં આવે છે, પછી તેને છોડી દેવામાં આવે છે. તેને મારવામાં આવતી નથી. પરંતુ ગામના કેટલાક લોકો મંદિરમાંથી બકરીની ચોરી કરીને લઈ ગયા હતા. બકરી અર્પણ કરનાર વ્યક્તિ અને અન્ય ગ્રામજનોને આ વાતની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી ગઈ હતી.

ત્યારબાદ મંદિર પરિસરમાં ભારે ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. લોકો બકરીને શોધવા લાગ્યાહતા. ઘણી શોધખોળ બાદ એક વ્યક્તિ પાસેથી એક બકરી મળી આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તે વ્યક્તિએ બકરીનું માથું કાપી નાખ્યું હતું. આ પછી લોકોએ તેને પકડી લીધો અને બકરીના મૃતદેહને તેઓ મંદિર લઈ ગયા હતા. મંદિરમાં આરોપીએ બકરીની ચોરી કરી તેની હત્યા કર્યાની કબૂલાત કરી હતી અને તેના અન્ય સાગરિતોના નામ પણ કહ્યા હતા. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીને કસ્ટડીમાં લીધો હતો.

bihar Crime News national news india