૧૯૯૫માં ૧૦૦ રૂપિયાની લાંચ માગવાના કેસમાં ૩૧ વર્ષ પછી ૭૫ વર્ષના આરોપીને એક વર્ષ જેલની સજા થઈ

21 September, 2026 12:19 PM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

૧૦૦ રૂપિયાની લાંચ માગવાના કેસમાં ૩૧ વર્ષ પછી ૭૫ વર્ષના આરોપીને એક વર્ષ જેલની સજા થઈ

પ્રતીકાત્મક તસવીર

૩૧ વર્ષ પહેલાં ૧૯૯૫માં રેલવેમાં કામ કરતા એક પાર્સલ ક્લર્કે ૧૦૦ રૂપિયાની લાંચ માગી હતી અને એ કેસમાં ૩૧ વર્ષ પછી ચુકાદો આવ્યો છે. દોષીને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. નવાઈની વાત એ છે કે લાંચ માગવાને કારણે રેલવેની નોકરી ગુમાવનારા ક્લર્કની હાલની ઉંમર ૭૫ વર્ષ છે.

૧૯૯૫માં ઝારખંડના હટિયા રેલવે-સ્ટેશન પર પાર્સલ ક્લર્ક તરીકે કાર્યરત કાલી શંકર ધોબીએ ૧૦૦ રૂપિયાની લાંચ નિર્મલકુમાર પાસે માગી હતી. નિર્મલકુમાર તેની બાઇક હટિયાથી સમસ્તીપુર મોકલવા માગતો હતો અને રેલવેના ૨૦૩ રૂપિયાના ભાડા ઉપરાંત કાલી શંકરે ૧૦૦ રૂપિયા વધારાના માગ્યા હતા. નિર્મલકુમારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં ફરિયાદ કરીને, જાળ બિછાવીને આરોપીની ધરપકડ કરાવી હતી. ત્યાર બાદ તેના પર ભ્રષ્ટાચારની વિવિધ કલમો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.

૧૧ સાક્ષીઓએ જુબાની આપી હતી અને ૨૦૦૪માં કાલી શંકરને દોષી ગણાવીને નીચલી અદાલતે તેને દોઢ વર્ષની કઠોર કારાવાસની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સજા સામે કાલી શંકરે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી અને કેસ ઝારખંડ હાઈ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યાં પણ કેસ લાંબો ચાલ્યો હતો. હાઈ કોર્ટે કાલી શંકરના જામીન પણ રદ કર્યા છે અને તેને એક વર્ષની સજા ફટકારી છે. તેણે બે મહિનામાં સરેન્ડર કરવાનું રહેશે.

national news india jharkhand Crime News