26 January, 2025 02:00 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
છત્તીસગઢના બસ્તર જિલ્લાના જગદલપુરમાં ગઈ કાલે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓએ ૧૧૦૦ ફુટ લાંબા તિરંગા સાથે સરઘસ કાઢ્યું હતું.
આજે ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિનની પરેડ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર થવાની છે એમાં ઇન્ડોનેશિયાના પ્રેસિડન્ટ પ્રવોબો સુબિઆન્ટો ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. ભારત એના પ્રજાસત્તાક દિને દેશના લશ્કરી કૌશલ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પણ પ્રદર્શન વિરાસત અને વિકાસના સુભગ સમન્વય દ્વારા કરશે. ભારતમાં બંધારણના અમલની પ્લૅટિનમ જ્યુબિલીની પણ ઉજવણી કરશે.
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં બંધારણનાં ૭૫ વર્ષ પર ફોકસ રહેવાનું છે અને વિવિધ ઝાંખીની થીમ પણ ‘સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ’ રાખવામાં આવી છે.
આજે કર્તવ્ય પથ પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૬ અને કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને સંગઠનોમાંથી ૧૫ ઝાંખીઓ પસાર થતી જોવા મળશે.
આજની પરેડમાં દેશની લશ્કરી તાકાતનું પ્રદર્શન થશે. આજે આર્મીની બૅટલ સર્વેલન્સ સિસ્ટમ ‘સંજય’ અને ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનની સર્ફેસ-ટુ-સર્ફેસ મિસાઇલ ‘પ્રલય’ સાથે બ્રહ્મોસ, પિનાકા અને આકાશ સહિત કેટલાંક અત્યાધુનિક સંરક્ષણ પ્લૅટફૉર્મ્સનું પહેલી વાર પ્રદર્શન કરવામાં આવશે.
આ પરેડમાં ઘણી ચીજો પહેલી વાર જોવા મળશે. આર્મ્ડ ફોર્સિસની ત્રણેય સર્વિસની ઝાંકીમાં સશસ્ત્ર દળો વચ્ચેની સંયુક્તતાની ભાવનાનું નિરૂપણ થશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઝાંખીમાં સ્વદેશી અર્જુન બૅટલ ટૅન્ક, તેજસ ફાઇટર વિમાન અને ઍડ્વાન્સ્ડ લાઇટ હેલિકૉપ્ટર જમીન, પાણી અને હવામાં સુમેળભર્યા ઑપરેશન દ્વારા યુદ્ધભૂમિનું દૃશ્ય પ્રદર્શિત કરશે.
આ વર્ષે ૨૬ જાન્યુઆરીનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે ૧૯૫૦માં આ ઐતિહાસિક દિવસે અમલમાં આવેલું ભારતનું બંધારણ ૭૫ વર્ષ પૂર્ણ કરે છે.