ઠાકરે જૂથ સ્વબળે લોકસભાની એક પણ બેઠક નહીં મેળવે

30 December, 2023 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યમાં ૨૩ બેઠક લડવાની ચર્ચા વચ્ચે કૉન્ગ્રેસના ઉત્તર મુંબઈના ભૂતપૂર્વ સાંસદ સંજય નિરુપમે રોકડું પરખાવ્યું

ફાઈલ ફોટો

મુંબઈ ઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની ૪૮ બેઠકમાંથી ૨૩ બેઠક પર ચૂંટણી લડવા માટેની માગણી ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કૉન્ગ્રેસના ઉત્તર મુંબઈના ભૂતપૂર્વ સાંસદ સંજય નિરુપમે ગઈ કાલે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે જૂથ સ્વબળે લોકસભાની એક પણ બેઠક મેળવી શકે એમ નથી. 

ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત ઇન્ડિયા જૂથમાં મહારાષ્ટ્ર લોકસભાની ચૂંટણીમાં ૨૩ બેઠક માટેની સમજૂતી કૉન્ગ્રેસના મોવડીમંડળ સાથે થઈ હોવાનો દાવો કરી રહ્યા છે. તેમના આ દાવા વિશે કૉન્ગ્રેસના નેતા સંજય નિરુપમે કહ્યું હતું કે ‘મારી તેમને ચૅલેન્જ છે કે તેઓ સ્વબળે એક પણ બેઠક જીતીને બતાવે. ઉદ્ધવ ઠાકરે જૂથને કૉન્ગ્રેસની જરૂર છે અને કૉન્ગ્રેસને પણ તેમની જરૂર છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં શિવસેનાને જેટલી બેઠકો મળી હતી એમાંથી ત્રીજા ભાગના સાંસદો હવે તેમની સાથે નથી. બાકીના પણ તેમની સાથે રહેશે કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી. તેમની પાસે લોકસભાના ઉમેદવાર જ નથી તો શું દિલ્હીથી લાવીને તેઓ ચૂંટણી લડશે?

૬ જાન્યુઆરીથી મુખ્ય પ્રધાનનું શિવસંકલ્પ અભિયાન
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજ્યની તમામ ૪૮ લોકસભા બેઠકમાં શિવસંકલ્પ અભિયાન કરશે, જેની શરૂઆત ૬ જાન્યુઆરીથી થશે. પક્ષના કાર્યકરોને સંબોધિત કરતી વખતે ગુરુવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે આવતા વર્ષના મધ્યમાં લોકસભાની ચૂંટણી યોજાશે એ માટેની અત્યારે તૈયારીમાં લાગો. 
મુખ્ય પ્રધાને કાર્યકરોને નિર્દેશ આપ્યો હતો કે તેમણે સત્તાધારી મહાયુતિમાં સામેલ બીજેપી અને અજિત પવાર જૂથના ઉમેદવારોનો પ્રચાર પણ કરવો. શિવસંકલ્પ અભિયાનનો યવતમાલ-વાશિમ મતદારક્ષેત્રમાંથી ૬ જાન્યુઆરીથી શરૂઆત કરવામાં આવશે. ત્યાર બાદના પંદર દિવસમાં મુખ્ય પ્રધાન રાજ્યનાં ૧૫ લોકસભા મતદારક્ષેત્રોનો પ્રવાસ કરશે. 
ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં રાજ્યની ૪૮ લોકસભા બેઠકમાંથી બીજેપીના સૌથી વધુ ૨૩, શિવસેનાના ૧૮, એનસીપીના ૪ તેમ જ કૉન્ગ્રેસ-એમઆઇએમ અને અપક્ષ તરીકે ૧-૧ ઉમેદવાર વિજયી થયા હતા.

એક મેસેજથી દેવેન્દ્ર ફડણવીસે નેપાલમાં અટવાયેલા ૫૮ યાત્રાળુનો છુટકારો કરાવ્યો
રાયગડના પનવેલ તાલુકામાં આવેલા કામોઠે ગામનાં સ્ત્રી અને પુરુષો મળીને ૫૮ લોકો યાત્રાપ્રવાસે ગયા હતા. તેઓ નેપાલની રાજધાની કાઠમંડુમાં પહોંચ્યા ત્યારે ટ્રાવેલ એજન્ટે તેમને છેતર્યા હોવાથી અટવાઈ ગયા હતા. તેમણે પહેલેથી યાત્રા માટેના રૂપિયા આપી દીધા હતા એટલે તેમની પાસે વધુ રૂપિયા નહોતા એટલે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ યાત્રાળુમાંથી એક વ્યક્તિએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મેસેજ કરીને જાણ કરી હતી. ફડણવીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમના બે અંગત મદદનીશને કામે લગાવ્યા હતા. તેમણે નેપાલથી ઉત્તર પ્રદેશ સુધી બસની વ્યવસ્થા અને ઉત્તર પ્રદેશથી મુંબઈ આવવા માટે ટ્રેનમાં વધુ એક કોચ જોડવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આથી નેપાલમાં અટવાયેલા યાત્રાળુઓ બે દિવસ બાદ સુખરૂપ મુંબઈ અને બાદમાં તેમના ગામ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 

uddhav thackeray Lok Sabha mumbai news maharashtra news