થાણેમાં ટ્રક-ડ્રાઇવરે ગુજરાતી મહિલાને અડફેટે લેતાં મૃત્યુ 

28 January, 2024 06:28 AM IST  |  Mumbai | Mehul Jethva

થાણે-ઘોડબંદર રોડ પર રહેતી બહેનને મળીને સ્કૂટર પર પાછા ફરી રહેલાં પ​તિ-પત્નીને માનપાડા રોડ પર પાછળની બાજુથી બેફામ રીતે ડ્રાઇવ કરીને આવતા ટ્રક-ડ્રાઇવરે ટક્કર મારી હતી.

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ ઃ થાણે-ઘોડબંદર રોડ પર રહેતી બહેનને મળીને સ્કૂટર પર પાછા ફરી રહેલાં પ​તિ-પત્નીને માનપાડા રોડ પર પાછળની બાજુથી બેફામ રીતે ડ્રાઇવ કરીને આવતા ટ્રક-ડ્રાઇવરે ટક્કર મારી હતી. એમાં દંપતીનું બૅલૅન્સ જતાં તેઓ જમીન પર પડ્યા હતા. ત્યારે ટ્રકનું આગળનું ટાયર મહિલા પરથી ફરી વળતાં તેને ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ તેને સ્થાનિક હૉસ્પિટલમાં ઇલાજ માટે દાખલ કરવામાં આવી હતી. જોકે ઇલાજ દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. કાપુરબાવડી પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

થાણેના વાગળે એસ્ટેટમાં રાધા ભુવન બિલ્ડિંગમાં રહેતા અને નૌપાડાના વિષ્ણુનગરમાં મેઘદૂત બિલ્ડિંગમાં રાજા પ્રિન્ટ નામની ઝેરોક્સની દુકાન ધરાવતા ૫૪ વર્ષના ભાવેશ દૈયા ૨૪ જાન્યુઆરીએ સવારે ઘોડબંદર રોડ પર પત્ની માનસી સાથે તેની બહેનના ઘરે ગયા હતા. સાંજે સાડાચાર વાગ્યે તેઓ સ્કૂટર પર પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા ત્યારે માનપાડા બ્રિજ પાસે ટ્રકે પાછળથી તેમને ટક્કર મારતા સ્કૂટર પર સવાર દૈયા દંપતી નીચે પડી ગયું હતું અને ટ્રકનું આગળનું ટાયર માનસીબહેનના શરીર પરથી પસાર થઈ ગયું હતું. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે જખમી થયાં હતાં. તરત જ તેમને નજીકની હૉસ્પિટલમાં ઇલાજ માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે ઇલાજ દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લેતાં કાપુરબાવડી પોલીસે ટ્રક-ડ્રાઇવર મન્નાન પરવેઝ અહમદ ખાન સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી.

કાપુરબાવડી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રક-ડ્રાઇવર બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેની સામે અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને તેની ટ્રક પણ જપ્ત કરવામાં આવી છે.’

thane road accident mumbai news maharashtra news