24 April, 2024 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યોગેશ શાહ
મીરા રોડમાં રહેતા પંચાવન વર્ષના યોગેશ શાહ સોમવારે સવારે ભિવંડીમાં પોતાની ટ્રાન્સપોર્ટની ઑફિસમાં જવા ઘરેથી બાઇક પર નીકળ્યા હતા. નાયગાંવ હાઇવે પર ન્યુ ફાઉન્ટન હોટેલની સામે એક ટ્રક-ડ્રાઇવરે પાછળથી તેમની બાઇકને ટક્કર મારતાં તેઓ બાઇક સાથે ૨૦૦થી ૩૦૦ મીટર ઘસડાયા હતા. તેમને તાત્કાલિક ઇલાજ માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં યોગેશભાઈનું મૃત્યુ થયું હતું. નાયગાંવ પોલીસે ટ્રક-ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ટ્રક-ડ્રાઇવર અપ્પારામ ચવાણ સામે નાયગાંવ પોલીસ-સ્ટેશનમાં યોગેશભાઈના નાના ભાઈ દીપેશ શાહે કરેલી ફરિયાદ અનુસાર સોમવારે બપોરે તેમની ભત્રીજી કૃણાલીએ ફોન પર આ ઘટનાની જાણ કરી હતી. તેઓ તાત્કાલિક વસઈની પેટિટ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યાં પોલીસ પાસેથી જાણવા મળ્યું કે બપોરે સાડાબાર વાગ્યે ન્યુ ફાઉન્ટન હોટેલની સામે નાયગાંવ હાઇવે પર એક ટ્રકચાલકે બેદરકારીથી ટ્રક ચલાવીને યોગેશ શાહની મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી હતી. એમાં યોગેશ શાહનો મોટરસાઇકલ પરથી કન્ટ્રોલ જતાં તેઓ કેટલાક મીટર સુધી ઘસડાયા હતા. આ ઘટનામાં ગંભીર ઈજાઓ થતાં ડ્રાઇવર અપ્પારામ ચવાણે જ તેમને ઇલાજ માટે હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ ઇલાજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.