16 January, 2023 09:07 AM IST | Mumbai | Dipti Singh
ફાઇલ તસવીર
રવિવારે શહેરનું લઘુતમ તાપમાન ગગડીને ૧૩.૮ ડિગ્રી થઈ જતાં મુંબઈકરે સીઝનના સૌથી ઠંડાગાર દિવસનો અનુભવ કર્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સાન્તાક્રુઝ ઑબ્ઝર્વેટરીમાં લઘુતમ તાપમાન ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી નીચું છે, જ્યારે કોલાબા ઑબ્ઝર્વેટરીમાં ટેમ્પરેચર ૧૬.૨ ડિગ્રી નોંધાયું હતું.
જાન્યુઆરીનું મહત્તમ તાપમાન ૩૧.૧ ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાન ૧૭.૩ ડિગ્રી રહ્યું છે. ગયા વર્ષે મુંબઈમાં સૌથી નીચું તાપમાન ૧૩.૨ ડિગ્રી ૧૦ જાન્યુઆરીએ નોંધાયું હતું. મુંબઈના ઇતિહાસમાં હવામાન ખાતાએ ૨૨ જાન્યુઆરી ૧૯૬૨નો સૌથી ઠંડો દિવસ નોંધ્યો હતો, જે દિવસે તાપમાન ૭.૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે તાપમાન ૧૩થી ૧૪ ડિગ્રીની આસપાસ રહેશે. આવતા અઠવાડિયે તાપમાન રોજ એક ડિગ્રી જેટલું વધશે. એમ છતાં ૨૧જાન્યુઆરી સુધી એ ૨૦ ડિગ્રી સુધી રહેવાની અપેક્ષા સેવાઈ રહી છે. મુંબઈમાં આઇએમડીના રીજનલ મીટિયોરોજિકલ સેન્ટર (આરએમસી)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આવતા ત્રણથી ચાર દિવસમાં તાપમાનમાં ખાસ ફકર નહીં પડે, પણ પછી ધીમે-ધીમે વધારો થવા માંડશે. હાલના તબક્કે તાપમાન ઘટવાની કોઈ શક્યતા જણાતી નથી, પણ હવામાન પર સઘળો મદાર છે.’
રવિવારે થાણેમાં લઘુતમ તાપમાન ૧૭.૨ ડિગ્રી, દહાણુમાં ૧૩.૧ ડિગ્રી, પુણેમાં ૧૦.૭ ડિગ્રી, જ્યારે નાશિકમાં ૮.૪ ડિગ્રી રહ્યું હતું.