24 September, 2024 07:02 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
નીતિન ગડકરી,રામદાસ આઠવલે
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં કેન્દ્રની કોઈ પણ સરકાર હોય, કાયમ પ્રધાનપદ મેળવનારા રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI)ના વરિષ્ઠ નેતા રામદાસ આઠવલેની મશ્કરી કરતું નિવેદન આપ્યું હતું. નીતિન ગડકરીએ રામદાસ આઠવલેની હાજરીમાં કહ્યું હતું કે ચોથી ટર્મમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર આવશે એની કોઈ ગૅરન્ટી નથી, પણ ગૅરન્ટીથી કહી શકું છું કે રામદાસ આઠવલે પ્રધાન હશે. જોકે બાદમાં નીતિન ગડકરીએ હું મશ્કરી કરી રહ્યો હોવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે RPI કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં BJPની આગેવાનીના સત્તાધારી ગઠબંધનમાં સામેલ છે. રામદાસ આઠવલે કેન્દ્રની વિવિધ સરકારમાં ત્રણ વખત પ્રધાન રહી ચૂક્યા છે એટલે નીતિન ગડકરીએ તેમના વિશે આવી મશ્કરી કરી હતી.
નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮ બેઠકની માગણી કરી છે. BJP, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેનાએ એમના ક્વોટામાંથી ૪-૪ બેઠકો ફાળવવી જોઈએ. મને લાગે છે રામદાસ આઠવલે એ માન્ય રાખશે.’