09 March, 2021 08:53 AM IST | Mumbai | Prakash Bambhrolia
ભાઇંદરમાં વૃક્ષને લીધે એક વ્યક્તિનો જીવ ગયો
ચોમાસામાં માથા પર વૃક્ષ પડવાને કારણે મૃત્યુ કે ગંભીર રીતે જખમી થવાના બનાવ બનતા હોય છે, પરંતુ બે દિવસ પહેલાં ભાઈંદરમાં વરસાદ કે જોરદાર હવા ન ચાલતી હોવા છતાં એક વૃક્ષની ડાળ અચાનક નીચેથી પસાર થઈ રહેલી બાઇક પર પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે પાછળ બેસેલા પુત્રને ઈજા પહોંચી હતી. પાલિકા દ્વારા જોખમી વૃક્ષોની દેખભાળ કરવાનું કામ કરવામાં આવતું હોય છે, પરંતુ આ બનાવથી પાલિકાના કામ સામે સવાલ ઊભો થયો છે. પાલિકાના અધિકારી દાવો કરે છે કે તેઓ જોખમી વૃક્ષોની કાયમ ચકાસણી કરીને ધ્યાન રાખે છે. જોકે કેટલાંક સ્થળે ઘણા સમયથી વૃક્ષોની છટણી ન કરાઈ હોવાથી આવી અનેક ઘટનાઓ બની શકે છે. સ્થાનિક નગરસેવકો કે પાલિકાના અધિકારીઓ આ બાબતે ધ્યાન નથી આપતા.
ભાઈંદર (વેસ્ટ)માં ગાંધીનગર વિસ્તારમાં ૪૨ વર્ષના જગરામ રામવિલાસ પ્રજાપતિ પરિવાર સાથે રહીને કડિયાકામ કરતા હતા. બે દિવસ પહેલાં સવારે ૧૧ વાગ્યે તેઓ મોટા પુત્ર અમિત સાથે બાઇક પર કમ્પ્યુટરનો સામાન લેવા માટે નીકળ્યા હતા. ક્રૉસ ગાર્ડન પાસે તેઓ પહોંચ્યા હતા ત્યારે અચાનક ઝાડની એક ડાળ તેમના પર પડી હતી. આથી પિતા-પુત્ર પડી ગયા હતા. જગરામના માથામાં ગંભીર ઈજા થવાથી માથામાંથી લોહી નીકળવા માંડ્યું હતું, જ્યારે પુત્રને પણ ઈજા પહોંચી હતી.
જીવ ગુમાવનાર જગરામ પ્રજાપતિ અને બાલ-બાલ બચી ગયેલો પુત્ર અમિત.
અમિત પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પિતાના માથામાંથી લોહી વહેતું જોઈને હું ગભરાઈ ગયો હતો. કોઈકની મદદથી તેમને તાત્કાલિક ઑટોરિક્ષામાં બેસાડીને ભાઈંદરની પંડિત ભીમસેન જોષી (ટેમ્બા) હૉસ્પિટલ લઈ ગયો હતો. અહીં અમને મીરા રોડમાં આવેલી ઇન્દિરા ગાંધી હૉસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. અમે ત્યાં પહોંચ્યા તો તેમણે ટેમ્બા હૉસ્પિટલમાં જ જવાનું કહ્યું હતું. આ દરમ્યાન એકાદ કલાકનો સમય પસાર થયો હતો. પિતાનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું હતું. અમે બે ભાઈ અને એક બહેન તથા મમ્મી તેમની નાની-મોટી છૂટક આવક પર નિર્ભર હતાં. હવે તેઓ અમારી વચ્ચે નથી એ માની નથી શકાતું. ડાળ પડવા માટે અને હૉસ્પિટલનાં ચક્કર ખાવાં પડ્યાં એ માટે કોણ જવાબદાર?’
લૉકડાઉનના સમયમાં બધું બંધ હતું ત્યારે પાલિકાનો મોટા ભાગનો સ્ટાફ પણ બીજાં કામ છોડીને આરોગ્ય વિભાગમાં તહેનાત કરાયો હોવાનો દાવો પાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે. આથી ચોમાસા પહેલાં કે બાદમાં અનેક જગ્યાએ વૃક્ષોની છટણી નથી કરાઈ. મીરા રોડના શાંતિ પાર્ક વિસ્તારમાં હૅપી હોમ કૉમ્પ્લેક્સ રોડ પર બન્ને બાજુ ઝાડની ડાળો એટલી બધી ફેલાઈ ગઈ છે કે રાત્રે અહીંની સ્ટ્રીટ લાઇટ દેખાતી નથી. સ્થાનિક રહેવાસીઓએ આ વિસ્તારના નગરસેવકો અને પાલિકાના અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કામ ન થયું હોવાનો તેમનો આરોપ છે.
મીરા ભાઈંદર મહાનગરપાલિકાના ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ હંસરાજ મેશ્રામે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ સાચું છે કે કોવિડના સમયમાં પાલિકાના મોટા ભાગના કર્મચારીને આરોગ્ય વિભાગમાં કામે લગાડાયા હતા. જોકે વૃક્ષ છટણીની જેટલી પણ અરજી આવી હતી એના પર કામ કરાયું છે. બે દિવસ પહેલાંની ઘટનામાં જે વૃક્ષની ડાળ તૂટી પડી છે એ પ્રાઇવેટ સોસાયટીનું છે. એની ડાળ બહારના ભાગમાં વધેલી હતી. એ અચાનક તૂટી પડતાં આ અકસ્માત થયો છે. પ્રાઇવેટ સોસાયટી ઝાડની ડાળ કાપવા માટેની અરજી પાલિકામાં કરીને પોતાની રીતે અથવા સ્થાનિક જનપ્રતિનિધિની મદદથી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે.’
આ મામલામાં ભાઈંદર પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.