02 September, 2023 08:35 AM IST | Mumbai | Dharmendra Jore
ગઈ કાલે ‘ઇન્ડિયા’ની પ્રેસ-કૉન્ફરન્સમાં મમતા બૅનરજી સિવાય તમામ નેતાઓ હાજર રહેતાં જાતજાતના તર્કવિતર્ક થવા લાગ્યા હતા, પરંતુ ફ્લાઇટ હોવાથી તેઓ જતાં રહ્યાં હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. પ્રદીપ ધિવાર
મુંબઈ : ધી ‘ઇન્ડિયા’ ગઠબંધને એની ૩જી બેઠકમાં બીજેપી જે પોતાના વલણથી પ્રેશર બનાવી રહી છે એને કઈ રીતે ટેકલ કરવાનું એના વિશે વિચારણા કરતાં કોઈ પણ પ્રકારે સમય ન બગાડવાની વાત કરી હતી. વિપક્ષના સંગઠન ‘ઇન્ડિયા’ની ત્રીજી બેઠકમાં બીજેપીને હરાવવા માટે કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર કામ પર લાગી જવાની હાકલ કરવામાં આવી હતી. ૨૮ પાર્ટીઓના આ સંગઠને જુદી-જુદી કમિટીઓ બનાવવાનું નક્કી કર્યું છે અને એની સાથે ‘ડિફીટ મોદી’નો તેમનો એજન્ડા પૂરો કરવા માટે પૂરું જોર લગાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. હવે ગાંધી જયંતીના દિવસે રાજઘાટ પર તેઓ પોતાનું વિઝન ડૉક્યુમેન્ટ બહાર પાડશે એવી જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી. જોકે ‘ઇન્ડિયા’ના કો-ઑર્ડિનેટરના નામ પર કોઈ સહમતી ન થતાં ગઈ કાલે એ જાહેર કરવામાં નહોતું આવ્યું. એની સાથે લોકસભાની ચૂંટણીમાં આ ૨૮ પાર્ટીમાંથી કોણ કેટલી બેઠક પર ઇલેક્શન લડશે એનો નિર્ણય પણ હજી લેવામાં નથી આવ્યો. આ મુદ્દાને અત્યારે બાજુ પર રાખવામાં આવ્યો છે, પરંતુ જાણકારોનું કહેવું છે કે આ જ મુદ્દો તેમની એકતા સામે જોખમ ઊભું કરે એમ હોવાથી એને અત્યારે દૂર રાખવામાં આવ્યો છે.
એકતાની જરૂર
મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘બીજેપીને માત આપવા માટે ‘ઇન્ડિયા’એ વધુ સક્રિય થવું પડશે. બીજી ઑક્ટોબરના રોજ નૅશનલ એજન્ડાને બહાર પાડવો જોઈએ.’ બેઠક બાદ એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ એકતાની જરૂરિયાત દર્શાવતાં કહ્યુ કે ‘મુંબઈમાં ભેગા થયેલા પક્ષો દેશની ૬૦ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આજે બે મહત્ત્વનાં પગલાંઓ લેવાયાં છે. જો આ સ્ટેજ પર રહેલા પક્ષો ભેગા થઈ જશે તો બીજેપી માટે ચૂંટણી જીતવી અશક્ય છે. આપણે બધાએ બહુ જ પ્રભાવશાળી રીતે ભેગા થવાનું છે.’
મોદીને અવકાશમાં મોકલો : લાલુ
મમતા બૅનરજીએ પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી નહોતી. આ મામલે સંજય રાઉતે ખુલાસા કરતાં કહ્યું હતું કે ‘અભિપ્રાયમાં કોઈ મતભેદને કારણે તેમણે આમ નહોતું કર્યું, પરંતુ તેમની ફ્લાઇટનો સમય થઈ ગયો હતો. એટલે કેટલાક નેતાઓ સાથે તેઓ નીકળી ગયાં હતાં. તેમના વારસદાર ગણાતા અભિષેક બૅનરજીને કો-ઑર્ડિનેશન ઍન્ડ સ્ટ્રૅટેજી કમિટીમાં સમાવવામાં આવ્યા છે. બેઠકમાં હાજર રહેલા કુલ છ મુખ્ય પ્રધાનો પૈકી મમતા બૅનરજી એક હતાં.’
લાલુ યાદવે પોતાની આગવી અદામાં મોદીની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આગામી સોલર મિશનમાં જો મોદીને અવકાશમાં મોકલી શકાતા હોય તો ઇસરોના વૈજ્ઞાનિકોએ એમ કરવું જોઈએ. તેમણે પોતાનાં હાર્ટ અને કિડની-સર્જરી વિશે વાત કરતાં કહ્યું હતું કે હું જીવતો છું ત્યાં સુધી-મોદીને હટાવીશ નહીં ત્યાં સુધી મારા શ્વાસ ચાલતા રહેશે. ‘ઇન્ડિયા’ને જીતાડવા માટે તેમની પાર્ટી સિટોનું બલિદાન આપવા માટે પણ તૈયાર છે.’
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મોદી સરકારને આઝાદી બાદ આવેલી સૌથી ભ્રષ્ટ અને અહંકારી સરકાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘આપણું ગઠબંધન મોદી સરકારના પતનનું કારણ બનશે. ઘણી મોટી સત્તાઓએ અમને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે ઝૂક્યા નહોતા. અહીં અમે કોઈ સત્તા માટે નથી આવ્યાં.’