04 July, 2023 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની ઑફિસમાં સુપ્રિયા સુળે અને જિતેન્દ્ર આવ્હાડ. સૈયદ સમીર અબેદી
મુંબઈ (પી. ટી. આઇ.) : એનસીપીના નેતા અજિત પવારે એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના કલાકો બાદ પાર્ટીનાં કાર્યકારી પ્રમુખ અને તેમની પિતરાઈ બહેન સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે પક્ષમાં થયેલા આ ફેરફારની વિપક્ષની એકતા પર કોઈ અસર થશે નહીં.
પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં સુપ્રિયા સુળેએ કહ્યું કે ‘આ ઘટનાને પગલે તેમના પિતા અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના વડા શરદ પવારનું કદ વધુ મોટું થશે. અજિત પવારના વિચારો અલગ હોઈ શકે, પરંતુ હું મોટા ભાઈ સાથે ક્યારેય લડીશ નહીં. હંમેશાં એક બહેન હોવાને નાતે હું તેમને પ્રેમ કરતી રહીશ.’
સુપ્રિયા સુળેની ગયા મહિને પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ તરીકેની થયેલી વરણીએ અજિત પવારના બળવાને ઉત્તેજિત કર્યું હોવાનું માનવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘૨૦૧૯થી ૨૦૨૨ સુધી હું ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની અલ્પજીવી સરકારમાં પ્રથમ વખત રાજ્યના રાજકારણમાં ઍક્ટિવ થઈ હતી. દરમ્યાન પક્ષની જવાબદારી સાથે ઘણી પરિપક્વ થઈ છું. હું વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધોને મિક્સ નહીં કરું.’