લાઇટ-બિલના નામે હજી પણ થઈ રહી છે સાઇબર-છેતરપિંડી

10 April, 2024 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરના ગુજરાતી વેપારી બોગસ લિન્કમાં સપડાયા, ગુમાવ્યા ૮.૫૦ લાખ

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-ઈસ્ટમાં સિક્સ્ટી ફીટ રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને તળોજા ખાતે દુકાન ધરાવતા ૬૦ વર્ષના મહેશ કાણકિયા સાથે પાંચમી માર્ચે સાઇબર છેતરપિંડીની ઘટના બની હતી જેમાં તેમણે ૮,૫૦,૪૫૦ રૂપિયા ગુમાવ્યા હતા. મહેશભાઈએ પંતનગર પોલીસ-સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં અનુસાર બપોરે તેઓ ઘરે હતા ત્યારે બે વાગ્યે એક યુવાને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ​મિટેડ (MSEDCL)થી મેસેજ કરતો હોવાનો દાવો કરીને કહ્યું હતું કે તેમની તળોજાની દુકાનનું બિલ અપડેટ થયું ન હોવાથી વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવશે. એની સાથે વધુ માહિતી માટે નંબર પણ આપવામાં આવ્યો હતો. 

મહેશભાઈએ એના પર ફોન કરતાં સામેની વ્યક્તિએ બિલ અપડેટ કરવા માટે ગૂગલ ક્રોમ પર જઈને MSEDCLની લિન્કમાં ૧૦૦ રૂપિયા ભરવા કહ્યું હતું. એ ભરતાંની સાથે તેમને બીજું બૅન્ક-અકાઉન્ટ અપડેટ કરવા માટે ફરી MSEDCLની લિન્કમાં માહિતી ભરવા માટે કહેવામાં આવ્યું હતું. એ પણ ભરી દેતાં રાત્રે આઠ વાગ્યે તેમને તેમનાં બન્ને બૅન્ક-અકાઉન્ટમાંથી પાંચ ટ્રાન્ઝૅક્શનમાં સાઇબર ગઠિયાએ ૮,૫૦,૪૫૦ રૂપિયા કાઢી લીધા હોવાનો મેસેજ મળ્યો હતો. અંતે ૬ એપ્રિલે આ ઘટનાની ફરિયાદ પંતનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી પાસેથી MSEDCL જેવી દેખાતી બોગસ લિન્કમાં તેમના બૅન્ક-અકાઉન્ટની માહિતી ભરાવીને પૈસા ઉપાડવામાં આવ્યા હતા. આ કેસમાં જે અકાઉન્ટમાં આગળ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એની માહિતી કાઢવામાં આવી રહી છે.’

mumbai news ghatkopar cyber crime Crime News mumbai crime branch