22 April, 2024 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉત્તનના કેશવસૃષ્ટિમાં દીપડો જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો છે.
વસઈના કિલ્લા વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત્ છે. આ દીપડો છેલ્લા અનેક દિવસથી ફરતો હોવાથી સાવચેતીનાં પગલાંરૂપે રો-રો સેવાના સાંજના બે રાઉન્ડ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ચિંતા હજી દૂર થઈ નથી ત્યાં ગઈ કાલે વહેલી સવારે ઉત્તનના કેશવસૃષ્ટિ વિસ્તારમાં દીપડો મરઘી લઈને જતો જોવા મળ્યો હતો.
માર્ચ ૨૦૨૩માં ગોરાઈ નજીક એક દીપડો જોવા મળ્યો હતો. એ પછી અવારનવાર અનેક વખત દીપડો જોવા મળ્યો છે. ૨૦૨૩ની ૭ ડિસેમ્બરે રાતે દીપડો ફરતો જોવા મળ્યો હતો. એ દીપડાએ એક ઘોડા પર હુમલો કર્યો હતો જેમાં ઘોડાને ગંભીર ઈજા થઈ હતી અને એ ઘાયલ થઈ ગયો હતો. ગઈ કાલે દીપડો ફરી કેશવસૃષ્ટિમાં વહેલી સવારે આવ્યો હતો અને મોઢામાં મરઘી પકડીને જઈ રહ્યો હતો. આ સંપૂર્ણ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ હતી. આ વધતી જતી સમસ્યાને ઉકેલવા માટે વન વિભાગ દ્વારા ઓછાં પગલાં લેવામાં આવી રહ્યાં હોવાથી પાલખાડી, ઉત્તન અને ગોરાઈ વિસ્તાર તથા આસપાસના વિસ્તારના આદિવાસીઓ હવે દીપડાના સંભવિત હુમલાના ડરથી સૂર્યાસ્ત પછી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સામાજિક સંસ્થાઓએ માગણી કરી છે કે માત્ર CCTV કૅમેરાની સ્થાપના એ યોગ્ય દિશામાં એક પગલું છે, પણ રખડતા દીપડાઓ દ્વારા ઊભા થતા જોખમને ઘટાડવા માટે પૂરતું નથી. દીપડાઓને સત્તાવાર રીતે પકડવા અને એમને નૅશનલ પાર્ક અથવા યોગ્ય જગ્યાએ સ્થાનાંતરિત કરવા જેવાં પગલાં લેવાં જરૂરી છે.