18 November, 2022 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એપીએમસી ફ્રૂટમાર્કેટમાં પુઠ્ઠાનાં ખોખાંના ઢગલામાં લાગેલી ભીષણ આગમાં અનેક ગાળા બળીને ખાખ થઈ ગયા હતા.
મુંબઈ : નવી મુંબઈના વાશીની એપીએમસી ફ્રૂટમાર્કેટમાં ગઈ કાલે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ખાલી પુઠ્ઠાનાં ખોખાંના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી. એને કારણે માર્કેટમાં દોડાદોડી મચી ગઈ હતી.
આ આગમાં ફ્રૂટમાર્કેટના સાતથી આઠ ગાળા અને અન્ય સ્ટેશનરી બળીને ખાખ થઈ ગયાં હતાં. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ બાબતની માહિતી આપતાં એપીએમસી ફ્રૂટમાર્કેટના વેપારી સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફ્રૂટમાર્કેટના ખૂણામાં રાખેલાં પૅકિંગ માટેનાં પુઠ્ઠાનાં ખોખાંમાં સાંજના પાંચ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડ તરત જ આવી ગઈ હતી. જોકે આગને ઓલવતાં ફાયર બ્રિગેડને એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ આગમાં ફ્રૂટના વેપારીઓના સાતથી આઠ ગાળા બળીને ખાખ થઈ ગયા હતા. નુકસાનનો આંકડો હજી સુધી જાણવા મળ્યો નથી. સદભાગ્યે આટલી મોટી આગમાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી. આ બધાં જ ખોખાંના વેપારીઓ કાયદેસર બિઝનેસ કરે છે.’
અમે ફ્રૂટમાર્કેટમાં કેટલા કાયદેસર અને ગેરકાયદે પુઠ્ઠાનાં ખોખાંના વેપારીઓ બેસે છે એની તપાસ કરી રહ્યા છીએ એમ જણાવીને એપીએમસીના ચૅરમૅન અશોક દાગે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ અચાનક કેવી રીતે ફાટી નીકળી એની અમે તપાસ કરી રહ્યા છીએ. આગમાં અનેક ગાળાને પણ નુકસાન થયું છે. આથી અમે જે વેપારીઓ ફ્રૂટના માલના પૅકિંગનો બિઝનેસ કરે છે એમાંથી કેટલા પાસે લાઇસન્સ છે એની તપાસ કરી રહ્યા છીએ. વેપારીઓને કેટલું નુકસાન થયું છે એની અમને જાણ થતાં હજી સમય લાગશે.’