✕

આખી દુનિયામાં જનાક્રોશનું કારણ શું?

25 October, 2026 08:33 AM IST  |  France | Rashmin Shah

ફ્રાન્સ અને ઇટલીથી લઈને લૅટિન અમેરિકા સુધીના દેશોમાં ભારે રોષ એ હદે પ્રસરી ગયો છે કે લોકો શેહશરમ છોડીને, તોડફોડ અને લૂંટફાટ કરીને, ઠેર-ઠેર આગ ચાંપીને ધરોહર સમાન સ્થળોને જાતે જ નષ્ટ કરી રહ્યા છે.

ફ્રાન્સના લીમોઝ શહેરના વિખ્યાત ટાઉન હૉલને પબ્લિકે સળગાવી દીધો હતો.

વિશ્વના નકશા પર નજર કરીએ તો સમૃદ્ધ, સુવિકસિત અને લોકશાહીથી ચાલતી સમાજવ્યવસ્થા માટે જાણીતા દુનિયાભરના દેશો આજે અજંપાની આગમાં સળગે છે. અગાઉ એવું માનવામાં આવતું કે આંદોલનો અને રસ્તા પરનાં રમખાણો માત્ર ગરીબ કે વિકાસશીલ દેશોમાં જ જોવા મળે, પણ અત્યારની પરિસ્થિતિ જોતાં આ ભ્રમણા સંપૂર્ણપણે તૂટી જાય એમ છે. ફ્રાન્સની હિસ્ટોરિકલ ગલીઓથી લઈને રોમના ઐતિહાસિક એકેએક એરિયા સુધી, બેલ્જિયમના સંસદભવનથી લઈને આર્જેન્ટિનાના રસ્તાઓ સુધી પ્રોટેસ્ટ હવે સામાન્ય બન્યો છે.

રસ્તાઓ પર ઊતરેલા લોકો, પોલીસના ટિયરગૅસ અને વૉટર કૅનન સામે લડતા યુવાનો અને આસમાને પહોંચતો જતો આક્રોશ કોઈ એક દેશ પૂરતો સીમિત વિરોધ નથી પરંતુ સામાજિક-આર્થિક સંકટ સામે લડતી સમગ્ર પેઢીનો વૈશ્વિક બળવો છે. ભારતમાં તાજેતરમાં નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અને કન્સોર્ટિયમ ફૉર એજ્યુકેશનલ કમ્યુનિકેશન (CEC) એક્ઝામના પેપર-લીક સામે સ્ટુડન્ટ્સ રસ્તા પર ઊતરી આવ્યા અને એજ્યુકેશન મિનિસ્ટરનું રાજીનામું લીધું. એ જ રીતે વિશ્વભરમાં સ્ટુડન્ટ્સ અને સામાન્ય લોકો પોતપોતાની સરકારો સામે મોરચો માંડીને ઊભા રહી ગયા છે. આ માટેનાં કારણો જુદાં-જુદાં છે, પણ મૂળ ભાવના એક જ છે કે અમે નારાજ છીએ એ વાત સત્તા સુધી પહોંચાડવી. આ વાત સત્તા સુધી પહોંચાડનારા લોકો ક્યાં-ક્યાં પ્રોટેસ્ટ કરે છે, તેમની માગણી શું છે એ જાણીએ.

 ૧. ફ્રાન્સ : અસંતોષની સૌથી

 મોટી આગ મોંઘવારી અને શિક્ષણ

યુરોપના તમામ દેશોમાં પ્રોટેસ્ટની સૌથી તીવ્ર અને હિંસક અસર ફ્રાન્સમાં જોવા મળે છે. છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી લગભગ દર
વીક-એન્ડમાં ફ્રાન્સની સડકો વિરોધ કરનારાઓથી ઊભરાઈ રહી છે. પહેલાં માત્ર માર્ચ કાઢવામાં આવી. એ પછી લોકોએ પ્લેકાર્ડ્સ અને નારાબાજી કરીને પ્રદર્શનો કર્યાં. જોકે એની કોઈ અસર ન થતાં છેલ્લા બે અઠવાડિયાથી ફ્રાન્સની સડકો ભડકે બળી રહી છે. ૧૭ અને ૧૮ ઑક્ટોબરે ફ્રાન્સમાં સાડાપાંચ લાખથી વધુ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. પરિસ્થિતિ એ હદે વણસી કે સિક્યૉરિટી ફોર્સે દેશભરમાંથી ૨પ૦૦થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી. આ પ્રોટેસ્ટ પાછળ ૩ વાતનો અસંતોષ સૌથી વધુ છે, જેમાં સૌથી પહેલાં ક્રમે છે સ્કૂલોની કથળેલી હાલત અને એજ્યુકેશન બજેટ.

ફ્રાન્સની સ્કૂલોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓનો સખત અભાવ છે. આપણે દેશને ભાંડીએ છીએ, પણ ફ્રાન્સની સ્કૂલના ક્લાસિસમાં પણ સ્ટુડન્ટ્સનો ઢગલો છે જેની સામે શિક્ષકોની અછત છે. આ ઉપરાંત ક્લાસરૂમમાં પણ સુવિધા નથી, જેને લીધે જેન-ઝીને લાગે છે કે દેશમાં સ્ટુડન્ટ્સનું ભવિષ્ય જોખમમાં છે. જેન-ઝી સાથે ટીચર્સ પણ પ્રોટેસ્ટમાં જોડાયા અને બન્નેએ સાથે મળીને ફ્રાન્સ ગવર્નમેન્ટ પાસે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારાની સાથે એજ્યુકેશન બજેટ વધારવાની ડિમાન્ડ સાથે પ્રોટેસ્ટ શરૂ કર્યો.

ફ્રાન્સમાં માત્ર એજ્યુકેશન જ મુદ્દો નથી. મોંઘવારીએ લોઅર અને મિડલ ક્લાસની કમર તોડી નાખી છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લીધે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે, જેની અસર દરેક ફીલ્ડમાં દેખાય છે તો સાથોસાથ ગૅસ અને ઇલેક્ટ્રિસિટીના બિલે પણ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. ફ્રાન્સમાં ફુગાવાનો ફુગ્ગો ફુલાઈને મસમોટો થઈ ગયો છે. સામા પક્ષે લોકોની આવક સ્થિર છે, જેની સીધી આડઅસર રોજબરોજની લાઇફસ્ટાઇલ પર પડે છે. આ કારણે પણ લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.

પૅરિસ, લિયોન અને માર્સેલી જેવાં સિટીમાં પ્રોટેસ્ટ હિંસક બન્યો. ગવર્નમેન્ટ પ્રૉપર્ટી પર હુમલા થયા, વાહનો સળગાવાયાં અને માર્કેટમાં લૂંટફાટ થઈ. હિંસક પ્રદર્શનો હવે માઝા મૂકી રહ્યા છે. મોંઘવારીની સામે લોકોનો રોષ એટલો વધ્યો છે કે મોંઘીદાટ ચીજો વેચતી લક્ઝરી બ્રૅન્ડ્સને લૂંટીને તોડી-ફોડીને આગના હવાલે કરવા લાગ્યા છે. એ પછી ગયા વીકમાં ૧૮ ઑક્ટોબરે પૅરિસમાં ફરી એક વાર ટેન્શન ઉમેરાયું. ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉને સ્પષ્ટતા કરવી પડી કે લોકશાહીમાં હિંસાને સ્થાન નથી. તેમણે સોસાયટીને વધુ સિક્યૉરિટી આપવાની ખાતરી આપી. જોકે વાત એનાથી પૂરી નથી થતી. પ્રોટેસ્ટરોની માગણી બાબતે કોઈ જાહેરાત ન થઈ હોવાથી હજી પણ અસંતોષ અને પ્રદર્શનોનો સિલસિલો અકબંધ છે.

 ૨. ઇટલી : પ્રજાકલ્યાણ  કોરાણે

 મુકાયું હોવાથી પ્રજામાં ભારે રોષ

ફ્રાન્સની જેમ જ ઇટલી પણ આર્થિક અને સામાજિક મુદ્દે સળગી રહ્યું છે. ઇટલીના હિસ્ટોરિકલ સિટી મિલાન અને રોમમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. અહીં પણ ફ્રાન્સ જેવા જ મુદ્દાઓ છે.

મિલાનમાં યોજાયેલા પ્રોટેસ્ટનો એજન્ડા દેશમાં વધતી જતી મોંઘવારી અને એમ છતાં સરકાર દ્વારા આર્મી પાછળ કરવામાં આવતા ખર્ચનો વિરોધ છે. પ્રોટેસ્ટની શરૂઆત શાંતિપૂર્ણ થઈ; પણ પછી જેન-ઝી અને સામાન્ય લોકો સાથે અસામાજિક તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો, ગવર્નમેન્ટ પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડ્યું. પરિસ્થિતિ કન્ટ્રોલમાં લેવા માટે ઇટાલિયન પોલીસે ટિયરગૅસ અને વૉટર કૅનનનો મારો ચલાવ્યો તો મિલાનમાંથી પ૦૦થી વધારે લોકોની અરેસ્ટ કરવામાં આવી.

આટલું ઓછું હોય એમ રોમમાં વર્કર યુનિયનોએ પ્રોટેસ્ટ શરૂ કર્યો છે. યુનિયનોનો આરોપ છે કે સરકાર પ્રજાના કલ્યાણ, આરોગ્ય અને શિક્ષણક્ષેત્રનું બજેટ કાપીને આર્મીને વધુ બજેટ આપે છે અને વૉર જેવી અશાંતિ ફેલાવનારી પ્રવૃત્તિમાં પૈસા વેડફે છે. તેમની માગણી ક્લિયર છે : દેશમાં વધતી મોંઘવારી સામે તમામ ફીલ્ડના આર્થિક વળતરમાં સરકાર દ્વારા ઉમેરો કરવામાં આવે અને કાં તો સબસિડી આપવામાં આવે. હેલ્થ, ટ્રાન્સપોર્ટ અને સ્કૂલ જેવી જરૂરી સુવિધાઓનું પ્રાઇવેટાઇઝેશન બંધ કરવામાં આવે અને આ ક્ષેત્રોમાં નવું ફન્ડ રિલીઝ કરવામાં આવે. પ્રોટેસ્ટર્સની છેલ્લી માગણી છે કે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને સરકારી સહાય શરૂ કરવામાં આવે.

માત્ર ફ્રાન્સ કે ઇટલીથી જ વાત નથી અટકતી. યુરોપિયન યુનિયનના અન્ય દેશો તથા આફ્રિકા અને લૅટિન અમેરિકામાં પણ આ જ પ્રકારની અશાંતિ ફેલાઈ છે. એના પર પણ નજર નાખવા જેવી છે.

 ૩. બેલ્જિયમ : એજ્યુકેશન

 બજેટમાં કાપ

યુરોપિયન યુનિયનનું જ્યાંથી સંચાલન થાય છે એવા બેલ્જિયમના બ્રસેલ્સ અને લિએજ સિટીમાં ૧૭ ઑક્ટોબરે યુનિવર્સિટીના હજારો સ્ટુડન્ટ્સ રસ્તા પર આવી ગયા. તેમનો વિરોધ સરકાર સામે છે.

ગવર્નમેન્ટે એજ્યુકેશન બજેટમાં મૂકેલો કાપ અને એની સામે યુનિવર્સિટી રજિસ્ટ્રેશન ફીમાં કરાયેલો વધારો સ્ટુડન્ટ્સને અસહ્ય લાગતાં જેન-ઝી રસ્તા પર આવી ગયા. આ પ્રોટેસ્ટમાં રસ્તાઓ પર બૅરિકેડ્સ તોડવામાં આવ્યાં, ગવર્નમેન્ટ ઑફિસો સળગાવવામાં આવી અને પથ્થરમારો થયો. વળતા જવાબમાં પોલીસે ટિયરગૅસ અને વૉટર કૅનનનો આશરો લીધો અને બ્રસેલ્સ તથા લિએજમાંથી પ૦૦થી વધુ પ્રોટેસ્ટર્સને પકડવામાં આવ્યા. સરકારનું કહેવું છે કે તેઓ કોઈ સ્ટુડન્ટ્સ નથી, જ્યારે સ્ટુડન્ટ્સ યુનિયનોનું કહેવું છે કે એ બધા તેમના સાથીઓ છે. આંદોલન અને વિરોધ હજી પણ ચાલુ જ છે.

 ૪. ગ્રીસ : સ્કૂલોની  બેફામ ફી અને

 ઓવરઑલ મોંઘવારી સામે પ્રદર્શન

ગ્રીસના ઍથેન્સના ઐતિહાસિક સિન્ટાગ્મા સ્ક્વેર પર ૧૩ અને ૧૪ ઑક્ટોબરે અનોખો વિરોધ જોવા મળ્યો. સરકારથી નારાજ એવા જેન-ઝી સ્ટુડન્ટ્સે સાંબેલાધાર વરસાદ વચ્ચે સંસદભવનની સામે તંબુઓ તાણીને રાત વિતાવી. આ સ્ટુડન્ટ્સની માગણી છે કે સરકાર સ્ટુડન્ટ્સ માટે કશું કરતી નથી. મકાનભાડાં અને હૉસ્ટેલની મોંઘીદાટ ફીથી લઈને ઇલેક્ટ્રિસિટી બિલ સામે તેમનો વિરોધ છે. સ્ટુડન્ટની માગણી છે કે ગવર્નમેન્ટ દરેક વિદ્યાર્થીને દર મહિને ૫૦૦ યુરોનું હાઉસિંગ અલાઉન્સ આપે અને પ્રાઇવેટ ઘરોમાં રહેતા સ્ટુડન્ટ્સને રેન્ટ કૅપ (એટલે કે મહત્તમ ભાડાની લિમિટ) આપે. આ ઉપરાંત સ્ટુડન્ટ્સને ફ્રી ફૂડ, ટ્રાન્સપોર્ટ અને ઇન્ટરનેટની ફૅસિલિટી આપવામાં આવે. સરકારે આ દિશામાં કોઈ જાતની વિચારણા શરૂ કરી નથી એટલે હવે જેન-ઝી નવેસરથી પ્રોટેસ્ટ કરવાના છે.

 ૫. સ્પેન : રોટી, કપડાં

 અને મકાનની સમસ્યા

૩ ઑક્ટોબરે સ્પેનના માડ્રિડ શહેરમાં ૭૦,૦૦૦થી વધુ લોકોએ રસ્તા પર ઊતરીને ગવર્નમેન્ટ સામે વિરોધ-પ્રદર્શન કર્યું. મૅડ્રિડમાં ૧૦ ફૅમિલીએ માંડ એક ફૅમિલી પાસે પોતાની માલિકીનું ઘર છે, ૯ ફૅમિલી ભાડે રહે છે. આવી સિચુએશનમાં મકાનમાલિકો દ્વારા ભાડૂતોની કરવામાં આવતી કનડગત અને વસૂલવામાં આવતાં અતિશય ઊંચાં ભાડાં સામે નાગરિકોમાં રોષ ફેલાયો અને લોકો રસ્તા પર આવી ગયા. મૅડ્રિડમાં રસ્તા પર આવેલા લોકોમાં જેન-ઝીએ જ આગેવાની લીધી હતી.

૬. પોર્ટુગલ ઃ ભાડાનું ઘર

પણ પોસાતું નથી

પોર્ટુગલના લિસ્બનમાં પણ આવો જ માહોલ છે. મોંઘવારીએ એટલી માઝા મૂકી છે કે લોકો ઘર ખરીદી શકે એ તો અસંભવ જ લાગી રહ્યું છે, પરંતુ ભાડેથી રહેવાનું પણ તેમને પરવડે એવું નથી રહ્યું. લિસ્બનના પૉપ્યુલર રોસિયો સ્ક્વેરમાં ૧૨ ઑક્ટોબરથી લઈને ૧૮ ઑક્ટોબર દરમ્યાન હજારો લોકોએ રાતોરાત તંબુઓ તાણીને ચોકને ટેન્ટ સિટીમાં કન્વર્ટ કરી નાખ્યો. પોર્ટુગીઝ લોકોની ફરિયાદ છે કે દેશમાં વધતી મોંઘવારી વચ્ચે એ લોકો ઘર માટે ભાડું ચૂકવી શકે એમ નથી એટલે સરકારે એની વ્યવસ્થા કરવી જોઈએ. આ આંદોલનની શરૂઆત પણ જેન-ઝી દ્વારા થઈ અને પછી એમાં સામાન્ય લોકો જોડાવા માંડ્યા.

 ૭. આલ્બેનિયા : વિરોધ ભ્રષ્ટાચારનો

આલ્બેનિયાના તિરાના સહિતનાં શહેરોમાં સ્ટુડન્ટસ અને જેન-ઝી ઘણા મહિનાઓથી પ્રોટેસ્ટ પર છે. આ જે પ્રોટેસ્ટ છે એ દેશમાં વધી ગયેલા ભ્રષ્ટાચાર સામે છે તો સાથોસાથ સરકારી નોકરીઓની અછત અને કથળેલી એજ્યુકેશન સિસ્ટમ સામે છે.

શાંતિથી ચાલતા આ પ્રોટેસ્ટમાં દોઢ મહિના પહેલાં કેરોસીન છંટકાયું. બન્યું એવું કે લક્ઝરી કોસ્ટલ ડેવલપમેન્ટ નામના આલ્બેનિયાના પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચાર વચ્ચે જેન-ઝી રસ્તા પર આવી ગયા અને તેમણે તોડફોડ શરૂ કરી. પોલીસે વૉટર કૅનન અને ટિયરગૅસનો ઉપયોગ કર્યો અને સેંકડો લોકોની અરેસ્ટ કરી. આ વાતે વાતાવરણ ઑર બગાડ્યું અને બહાર રહેલા જેન-ઝીએ આલ્બેનિયાના પ્રાઇમ મિનિસ્ટર એદી રામાના રાજીનામાની ડિમાન્ડ કરી. રાજીનામાની માગણી ફગાવીને એદી રામાએ જેન-ઝીને વાતચીત માટે બોલાવ્યા છે, પણ લાગતું નથી કે એ પછી પણ પ્રોટેસ્ટ અટકે.

૮. ટ્યુનિશિયા ઃ પ્રેસિડન્ટશિપ

હટાવો, લોકશાહી લાવોનો નારો

ટ્યુનિશિયામાં લોકોની માગણી ધરમૂળથી લીડરશિપ ચેન્જ કરવાની રહી છે. ટ્યુનિશિયાના કૅપિટલ ટ્યુનિસના હબીબ બોર્ગુઇબા ઍવન્યુ પર હજારો લોકોએ પ્રેસિડન્ટ કૈસ સઈદ સામે છેલ્લા દશકનું સૌથી મોટું વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. બેરોજગારી, પાણી અને પાવર સપ્લાયમાં ચાલતા ધાંધિયાથી ત્રાસીને ટ્યુનિશિયન પ્રજા પ્રેસિડન્ટશિપને બદલે ફરી લોકશાહીની માગણી કરે છે. આ પ્રોટેસ્ટની આગેવાની પણ જેન-ઝીએ લીધી છે.

 ૯. આર્જેન્ટિના : ઃ શિક્ષણના

 બજેટમાં કાપ અને લેબર રીફૉર્મ્સ

ફુટબૉલ-લવર એવા આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયરસમાં મુખ્ય બે મોરચા ખૂલ્યા છે. એક યુનિવર્સિટીના પ્રોફેસરો, કર્મચારીઓ અને સ્ટુડન્ટ્સ નારાજ છે. તેઓ સંસદભવન તરફ કૂચ કરી, દેશની નવી સરકારે યુનિવર્સિટી ફન્ડિંગમાં મૂકેલા કાપ સામે વિરોધ નોંધાવ્યો છે અને દેશઆખાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે એક થઈને પગારવધારાની પણ માગણી કરી છે. સરકારે એના પર વિચારણા કરવાની બાંયધરી આપી છે, જ્યારે પ્રોટેસ્ટ કરનારાઓએ ૧પ નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. લાગતું નથી કે આ ચૅપ્ટર પણ સરળતાથી પૂરું થાય, કારણ કે આર્જેન્ટિનાની ગવર્નમેન્ટ જો માગણી માને તો દેશના બજેટમાં ઑલમોસ્ટ ૩૦ ટકા જેટલો ઘસારો દેખાય, જે આર્જેન્ટિનાને પોસાય એમ નથી.

બીજો મુદ્દો અહીં શ્રમિક સંઘોમાં પણ રોજગારના લાભો અને હડતાળ કરવાના અધિકારોને સીમિત કરવાનો છે. અંગત સંપત્તિ સાથે સંકળાયેલા કેટલાક કાયદાઓમાં બદલાવ થયો છે એની સામે પણ લોકો સરકાર સામે ભારે વિરોધ કરી રહ્યા છે.   

ગવર્નમેન્ટના ઑર્ડર પર પોલીસ-પ્રોટેક્શન શરૂ થયું છે, જેમાં ૧૨૦૦થી વધુ પ્રોફેસર અને સ્ટુડન્ટ્સની અરેસ્ટ થઈ છે.

શું માત્ર જેન-ઝી જ કારણભૂત?
આ તમામ આંદોલનોમાં સોશ્યલ મીડિયા અને ટેક્નૉલૉજીનો ઉપયોગ જોતાં પહેલી નજરે લાગે કે આ બધામાં જેન-ઝી આગળ પડતી ભૂમિકા ભજવે છે, જેનું કારણ એવું માનવામાં આવે છે કે જેન-ઝી નામની આ નવી જનરેશન નિરાશાવાદી માનસિકતા ધરાવે છે અને એટલે જ એ નિરાશા સાથેની નકારાત્મક વાતને પકડીને આગળ વધે છે, બધું તોડીફોડી નાખવાની પહેલ કરે છે જેમાં ગાડરિયા પ્રવાહની જેમ પાછળ સોસાયટી જોડાતી જાય છે.
ફ્રાન્સ અને ઇટલીમાં દાયકાઓ જૂનાં લેબર યુનિયનોએ જેન-ઝીને સપોર્ટ કર્યો તો સ્પેન અને પોર્ટુગલમાં પેન્શનરો અને મિડલ ક્લાસ ફૅમિલીના સ્ટુડન્ટ્સ સાથે ખભેખભા મિલાવીને તંબુઓમાં બેઠા. આર્જેન્ટિનામાં પ્રોફેસરો અને સ્ટુડન્ટ્સ સાથે રસ્તા પર આવ્યા. ટૂંકમાં, પ્રોટેસ્ટ કોઈ એક ઉંમર સુધી સીમિત રહેવાને બદલે સોસાયટીના દરેક વયના લોકો સુધી પહોંચ્યો છે. પણ હા, એક વાત હકીકત છે. દુનિયાભરમાં ચાલતા આ પ્રોટેસ્ટ ક્લિયર કરે છે કે ગવર્નમેન્ટ જો સંરક્ષણખર્ચ અને કૉર્પોરેટ હિતો સામે એજ્યુકેશન, હેલ્થ અને સામાન્ય લોકોની સુખાકારીને પ્રાધાન્ય નહીં આપે તો અસંતોષની આ આગ શાંત થવી મુશ્કેલ છે. 

international news world news italy france belgium greece